કાલોલ-ગોધરા હાઈવે સ્થિત મોટી શામળદેવી બસ સ્ટેન્ડના પાટીયા પાસે એક પીકઅપ ટેમ્પો પલ્ટી ખાઈ જતાં રોડ પર ટામેટા વેરાઈ ગયા હતા.
રાજસ્થાનથી ટામેટા ભરીને વડોદરા માર્કેટ જઈ રહેલા પીકઅપ ટેમ્પો કાલોલ શહેર પાસેના શામળદેવી પાટીયા પાસેથી પસાર થતાં સમયે અચાનક ટેમ્પાનુ ટાયર ફાટતા ટેમ્પો ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા ટેમ્પો વચ્ચેના ડિવાઈડર સાથે અથડાઈને પલ્ટી ખાઈ ગયો હતો. જેને લઈને ટેમ્પોમાં ભરેલા ટામેટા રોડ પર વેરાઈ ગયા હતા. જોકે ટેમ્પો પલ્ટી ખાઈ જવા છતાં ચાલકનો આબાદ બચાવ થયો હતો. ટેમ્પોની ટકકરે આગળ ચાલતી એક મોટરસાયકલને ટકકર વાગતા મોટરસાયકલ રોડ પર પટકાતા ચાલક સાથે પાછળ બેઠેલ મહિલાને ગંભીર ઈજાઓ થતાં કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. અકસ્માતને પગલે રોડ પર ટામેટા ફેલાઈ જતાં રોડ લાલ પીળા રંગના ટામેટાથી રંગીન બની હતી. આ અકસ્માતની જાણ થતાં કાલોલ પોલીસે ધટના સ્થળે પહોંચી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.