કાલોલમાં ખેડુતો પાસે યુરિયા ખાતર બિલ વિના ઉંચી કિંમતે વસુલતા એગ્રો બિઝનેસ સેન્ટરના પરવાનેદારનુ લાયસન્સ એક મહિના માટે રદ્દ કરાયુ હતુ.
કાલોલમાં પાછલા મહિને એગ્રો બિઝનેસ સેન્ટર નામના રાસાયણિક ખાતરના છુટક પરવાનેદાર સંચાલક ખેડુતો પાસે યુરિયા ખાતર સરકારની પ્રમાણિત મુલ્ય કરતા ઉંચી કિંમતે વસુલતા અને બિલ પણ નહિ આપતા હોવાની લોકબુમો ઉઠતા પંચમહાલ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા અસરકારક તપાસ હાથ ધરી હતી. જે તપાસ દરમિયાન રાસાયણિક ખાતરના છુટક પરવાનેદારોએ સરકાર દ્વારા નકકી કરાયેલા ભાવે યુરિયા વેચાણ કરવાનુ છતાં એગ્રો બિઝનેસ સેન્ટરના પરવાનેદાર રાસાયણિક ખાતર નિયંત્રણ હુકમનો ભંગ કરી ખેડુતો પાસેથી ઉંચી કિંમતે અને બિલ વિના વેચાણ કરતા પંચમહાલ જિલ્લા ખેતીવાડી નિયામકે કાલોલમાં બોરૂ રોડ સ્થિત એગ્રો બિઝનેસ સેન્ટરના પરવાનેદારનુ લાયસન્સ 30 દિવસની મુદ્દત માટે રદ્દ કર્યુ છે.
તદ્ઉપરાંત જિલ્લા ખેતીવાડી નિયામકે કાલોલ ખેતીવાડી નિયામકને એગ્રો બિઝનેસ સેન્ટરનુ અધિકૃત લાયસન્સ અને પીઓએસ સિસ્ટમ જમા કરી હાલમાં ફાળવણી કરેલ ઉપલબ્ધ રાસાયણિક ખાતરના જથ્થા અંગે તાત્કાલિક અસરથી ધટતી રીતે કાર્યવાહી કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. આમ કાલોલમાં એગ્રો બિઝનેસ સેન્ટર દ્વારા નેનો યુરિયાની બોટલોની કિંમતની વસુલાત કરવાના દાવપેચ હેઠળ ગરીબ અને સીમાંત ખેડુતો પાસેથી ઉંચી કિમત વસુલતા પરવાનેદાર સામે પંચમહાલ જિલ્લા ખેતીવાડી નિયામકે એક મહિના માટે લાયસન્સ રદ્દ કર્યુ હતુ.