કલોલમાં ઝડપાયેલા ૧૦ લાખના ડ્રગ્સ મામલે સપ્લાયર સકંજામાં, મેઈન સપ્લાયર સુધી પહોંચવાની કવાયત

પોલીસની ગીરફતમાં રહેલા આરોપીનું નામ છે ગૌરાંગ સોલંકી, ગાંધીનગર એસઓજીની ટીમે ચોક્કસ પ્રાથમિક આધારે ગૌરાંગ સોલંકીની કલોલ શહેર માંથી ધરપકડ કરી છે. આરોપી ગૌરાંગ સોલંકી હોટલ બી શર્મા પેલેસમાં છેલ્લા ઘણા સમયથી રૂમ નંબર ૪૦૬માં રોકાયેલો હતો. અને હોટલમાંથી જ મેફેડ્રોન ડ્રગ્સ સપ્લાય કરતો હતો. પકડાયેલ આરોપી ગૌરાંગ સોલંકી પાસેથી પોલીસને ૧૦૯.૨૪૦ ગ્રામ જેટલો મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. જે પોલીસે કબજે કર્યું હતું.

આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત દસ લાખથી વધુની થવાનું અંદાજ છે ત્યારે પોલીસે અલગ અલગ ડ્રગ્સના ઝીપર સાથે ૧૧ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી આરોપીની કાયદેસરની ધરપકડ કરી હતી. બાદમાં આરોપીની વધુ પૂછપરછ કરવા પોલીસે રિમાન્ડ પણ મેળવ્યા હતા જેથી આ અંગે ઊંડાણપૂર્વક પોલીસ તપાસ કરી શકે.

છેલ્લા કેટલાય સમયથી આરોપી ગૌરાંગ સોલંકી કલોલ શહેરમાં મેફેડ્રોન ડ્રગ્સના તૂટકમાં ગેરકાયદેસર વેપાર કરતો હતો. પરંતુ આ ડ્રગ્સ ક્યાંથી લાવતો તે અંગે ઊંડાણપૂર્વક તપાસ કરતા સામે આવી કે ઈડર નજીક વડાલી પાસે રહેતો અજીમ મેમણ નામનો શખ્સ ગૌરાંગને મેફેડ્રોન ડ્રગ્સ સપ્લાય કરતો હતો. જોકે SOG ક્રાઈમની ટીમે તાત્કાલિક જ અજીમ મેમણની પણ ધરપકડ કરી હતી.

મહત્વનું છે કે અજીમ મેમણ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી મંગાવતો હતો અને છેલ્લા કેટલા સમયથી ગૌરાંગને વેચાણ માટે આપતો હતો? તે બાબતે હવે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસની પૂછપરછ દરમિયાન ખુલાસાઓ થવાની શક્યતા છે કે ગૌરાંગ પણ મેફેડ્રોન ડ્રગ્સનો બંધાણી હોઈ શકે. સાથે જ આરોપી ગૌરાંગને અજીમ મેમણ પણ કેટલા સમયથી ડ્રગ્સ સપ્લાય કરતો હતો? અને અજીમ મેમણ કોની પાસેથી ડ્રગ્સ ખરીદતો હતો તે બાબતે તપાસ કરવાની દિશામાં પોલીસે કવાયત હાથ ધરી છે.