કાલોલમાં વીજબિલની ઉઘરાણી દરમિયાન કર્મચારીઓ પર હુમલો:એમજીવીસીએલના બે કર્મચારીને લાકડી વડે માર મારતાં હાથ-પગમાં ફ્રેક્ચર, હોસ્પિટલમાં દાખલ

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના એરલ ગામે વીજબિલની ઉઘરાણી દરમિયાન એમજીવીસીએલના બે કર્મચારીઓ પર હુમલો થયો છે. વેજલપુર સબ ડિવિઝનમાં ફરજ બજાવતા જુનિયર ક્લાર્ક વનરાજભાઈ મછાર અને આસિસ્ટન્ટ લાઈનમેન તેરસિંગ ચરપોટ વીજબિલની ઉઘરાણી માટે ગયા હતા.

એક ગ્રાહકે ઓનલાઈન બિલ ભર્યા બાદ પાવતી માંગી હતી. કર્મચારીઓએ ઓનલાઈન પાવતી ન આપી શકાય તેમ જણાવતા ગ્રાહકે ઉશ્કેરાઈને લાકડી વડે હુમલો કર્યો હતો. હુમલામાં બંને કર્મચારીઓના હાથ અને પગમાં ફ્રેક્ચર થયું છે.

ઘાયલ થયેલા બંને કર્મચારીઓને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ બંને કર્મચારીઓની સારવાર ચાલી રહી છે. આ ઘટના સંદર્ભે પોલીસ ફરિયાદની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.