કાલોલમાં લગ્નના દિવસે યુવતી પ્રેમી સાથે નાસી જતાં ચકચાર

કાલોલ, કાલોલ શહેરમાં લગ્નના દિવસે જ યુવતી પ્રેમી સાથે ભાગી જતાં યુવાનના લગ્નના અરમાનો પર પાણી ફરી વળ્યુ હતુ. તેમજ બંને પરિવારોમાં ગમગીની છવાઈ જવા પામી હતી.

કાલોલમાં બે અલગ અલગ સમાજના યુવક-યુવતી વચ્ચે પાંગરેલા પરીચય અને મનમેળના આધારે બંનેના પરિવારજનોએ પરસ્પરની સમજુતીથી વિવાહ નકકી કરી સામાજિક રિતી-રિવાજ મુજબ લગ્ન કરી કર્યા હતા. બંને પરિવારો દ્વારા ધામધુમથી લગ્નની તૈયારીઓ કરાઈ હતી. યુવતીના ધરે રાસ ગરબા રાખ્યા હોય યુવતીએ તેના ભાવિ પતિ સાથે મન ભરીને રાસ ગરબા પણ રમ્યા હતા. અને લગ્નના દિવસે તૈયાર થવા માટે બ્યુટી પાર્લરમાં જવાનુ કહીને નીકળી હતી. જે બપોર સુધી ધરે પરત નહિ ફરતા પરિવારજનોએ બ્યુટી પાર્લરમાં તપાસ કરતા છેવટે યુવતી ત્યાં આવી જ નહિ હોવાનુ જાણવા મળતા પરિવારજનોએ શોધખોળ કરતા અંતે યુવતી સાથે સંપર્ક ધરાવતા નજીકના એક ગામનો યુવક પણ તેના ધરેથી ગુમ હોવાનુ જાણવા મળતા તેમજ યુવકનો મોબાઈલ પણ બંધ હોવાનુ જાણવા મળતા બંને સાથે ભાગી ગયા હોવાની અટકળો ચાલી હતી. આ ધટના અંગે અંતે યુવતીના ભાઈએ કાલોલ પોલીસ સ્ટેશનમાં યુવતીના ગુમ થયાની જાગવા જોગ અરજી આપી હતી.