
જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેકટર પંચમહાલ ગોધરા તથા જિલ્લાની ટીમ દ્વારા બાતમીના આધારે કાલોલ નગરની 9 નંબરની સરકાર માન્ય વાજબી ભાવની દુકાનની આકસ્મિક તપાસ કરવામાં આવતા દુકાનની સામે આવેલા એક મકાનમાં અનઅધિકૃત રીતે સંગ્રહ કરવામાં આવેલો અનાજનો જથ્થો મળી આવતા તમામ જથ્થો સિઝ કરી દુકાનદાર મહેન્દ્ર બેલદાર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લામાં સરકારી સસ્તા અનાજની દુકાનો ચલાવતા દુકાનદારોને ગરીબોને મળવા પાત્ર સરકારી અનાજની કાળાબજારી કરતા અટકાવવા જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેક્ટર એચ.ટી.મકવાણા દ્વારા કરવામાં આવતી સખત કાર્યવાહી છતાં દુકાનદારો સરકારી અનાજની કાળા બજારી કરવાનું ભૂલ્યા નથી.
આજે કાલોલ નગરમાં આવેલી 9 નંબરની સરકારી સસ્તા અનાજની દુકાનમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. દુકાનદાર મહેન્દ્ર મનુભાઈ બેલદારની વ્યાજબી ભાવની દુકાનમાં અનાજની ઘટ માલુમ પડતા દુકાન સામે આવેલા ચેતનભાઇ કાછિયાના મકાન નં. 3709/80/01માંથી અનાધિકૃત રીતે સંગ્રહ કરેલ 1050 કિલોગ્રામ ઘઉંના 21 કટ્ટા, 1050 કિલોગ્રામના 21 કટ્ટા ચોખા, 100 કિલોગ્રામ બાજરીના બે કટ્ટા, 119 કિલોગ્રામ ચણાના ત્રણ કટ્ટા, 262 કિલોગ્રામ તુવર દાળના 10 કટ્ટા, 210 કિલો ગ્રામ ના 14 ડબ્બા તેલ, મળી 57 કટ્ટા અનાજ તેમજ 14 ડબ્બા તેલનો અનઅધિકૃત સંગ્રહ કરવામાં આવેલો જથ્થો મળી આવ્યો હતો. જિલ્લા પુરવઠા અધિકારીએ મહેન્દ્ર મનુભાઈ બેલદારની દુકાન નો 01 લાખ 60 હજાર 581 રૂૂપિયાનો જથ્થો સિઝ કરી દુકાનદાર સામે નિયમાનુસારની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
