સમગ્ર ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાં પંચમહાલ જીલ્લામાં પણ આજે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ વરસાદી માહોલ વચ્ચે કાલોલ સહિત તાલુકાની આસપાસના અનેક વિસ્તારોમાં વરસાદના કારણે થોડા સમય માટે રસ્તાઓ પર પાણી પાણી થઇ ગયું હતું. તો બીજીબાજુ કાલોલ તાલુકાના બોરૂ ગામે જતા રેલવેના નાળામાં પાણી નિકાલના અભાવે નાળામાં પાણી ભરાઇ ગયું હતું. જેમાં કેટલાક વાહન ચાલકોની વાહન બંધ પડી જતાં પાણીમાંથી ધક્કો મારી બાહર કાઢતાં નજરે પડ્યા હતા. જેને લઇ આજુબાજુ વિસ્તારના ખેડૂતો અને વાહનચાલકો સાથે શાળાએ જતા વિદ્યાર્થીઓને હાલાકી વેઠવાનો વારો આવતાં ખેડૂતો સાથે વાહનચાલકોમાં ભારે આક્રોશ ફેલાયો છે.
આ સાથે પાણીનો નિકાલ યોગ્ય રીતે થતો ન હોવાથી ગ્રામ પંચાયત પર ખેડૂતો ઓ અને વાહનચાલકો એ આક્ષેપો ઠાલવ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છેકે ભારે વરસાદની આગાહીને લઈને રાજ્યના વિવિધ વિસ્તારોમાં જોરદાર વરસાદી માહોલ સર્જાયો છે. ખાસ કરીને કાલોલ તાલુકામાં રસ્તાઓ પર પાણી વહેતા થતાં જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. ગતરોજ વહેલી સવારથી શરૂ થયેલા આ વરસાદે કાલોલ તાલુકાના અનેક વિસ્તારોમાં જળબંબાકાર સ્થિતિ પેદા કરી છે. ત્યારે વરસાદના જોરથી બોરૂ ગામે જતા રેલ્વે નાળામાં પાણી ભરાઈ જતા વાહન મારફતે શાળાએ આવતાજતા વિદ્યાર્થીઓ અને રાહદારીઓ માટે મુશ્કેલી આવી છે.