કાલોલમાં ભુગર્ભ ગટર લાઈનમાં ભંગાણ પડી જતાં ટ્રક ફસાઈ

કાલોલ શહેરમાં ભાથીજી મંદિરથી પાલિકા ભવન તરફ જવાના મુખ્ય રસ્તા પર પોસ્ટ ઓફિસ નજીક ભુગર્ભ ગટરની લાઈનમાં ગાબડું પડતા સવારના સમયે એક ટ્રકનુ ટાયર આ ગાબડામાં ગરકાવ થઈ જતાં ટ્રક ફસાઈ જવા પામી હતી.

શહેરા પાલિકા ભવન, મુખ્ય બજારથી બસ સ્ટેશન તરફ આવન-જાવન કરવાના મુખ્ય રસ્તા પર જ ટ્રક ફસાઈ જતાં ત્રણ-ચાર કલાક સુધી બંને તરફના રસ્તા બ્લોક થઈ ગયા હતા. જેને પગલે આસપાસના દુકાનદારો, રાહદારીઓ અને વાહનચાલકો અટવાયા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, કાલોલ શહેરમાં ભુગર્ભ ગટર યોજનાની કામગીરી વચ્ચે ચાલુ માસે ચોમાસાના પ્રારંભે અગાઉ ગત અઠવાડિયે જ આ રસ્તા પર રબ્બાની મસ્જિદ પાસે પણ એક-બે મીટરનુ ભંગાણ સર્જાતા ગાબડું પડ્યુ હતુ. જેના સમારકામના એક અઠવાડિયા બાદ એ જ રોડ પર સો મીટરના અંતરે વધુ એક ભંગાણ સર્જાતા ભુગર્ભ ગટર યોજનામાં આચરવામાં આવેલી કામગીરી અંગે સવાલો ઉભા થયા છે. કાલોલ નગરપાલિકા અને જવાબદાર કોન્ટ્રાકટર અને તંત્રની લાપરવાહી સામે સવાલો ઉભા થયા છે. જેથી ભુગર્ભ ગટર યોજનાની કામગીરી અંગે મુલ્યાંકન કરી સમારકામ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.