કાલોલ નગરને સ્વચ્છ રાખવાની કામગીરી કરતા નગરપાલિકાના સફાઈ કામદારોએ પાલિકા દ્વારા તેઓને પૂરતું વેતન ચૂકવવામાં નહીં આવતું હોવાની રજૂઆત પંચમહાલ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને કરી છે. કેટલાક કામદારો 20 વર્ષથી નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે પાર્ટ ટાઈમ નોકરી કરતા હોવાથી ઘર ચલાવવામાં અને બાળકોને શિક્ષણ આપવામાં તકલીફ પડતી હોવાથી સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલા દૈનિક વેતન મુજબ તેઓને વેતન ચૂકવવામાં આવે તેવી માગ કરી છે.
કાલોલ નગરપાલિકામાં સફાઈનું કામ કરતા 25 જેટલા સફાઈ કામદારોએ તેઓને સરકારના આદેશ અનુસાર 441 રૂપિયાનું દૈનિક વેતન ચૂકવવામાં આવે અને નગરપાલિકા દ્વારા તેઓને પાર્ટ ટાઈમ નોકરીની જગ્યાએ ફુલ ટાઈમ નોકરીએ રાખવામાં આવે તે માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ઓછા વેતનમાં નોકરી કરતા હોવાથી તેઓને ઘર ચલાવવા માટે દેવું કરવું પડે છે. બાળકોના શિક્ષણનો ખર્ચ પણ નીકળતો ન હોવાથી તેઓને વેતનમાં વધારો કરી આપવામાં આવે તેવી રજૂઆત કરી છે.
સરકાર દ્વારા દૈનિક વેતનમાં વધારો કરવામાં આવ્યો હોવા છતાં કાલોલ નગરપાલિકા દ્વારા સફાઈ કામદારોને ચૂકવવામાં આવતા દૈનિક વેતનમાં વધારો કર્યો નથી અને ફુલ ટાઈમ નોકરી આપવાની જગ્યાએ પાર્ટ ટાઈમ નોકરીએ રાખીને સફાઈ કામદારોનું શોષણ કરવામાં આવતું હોવાનું જણાવી વેતન વધારાની માગ કરાઈ છે. જો વેતન વધારા કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં તમામ સફાઈ કામદારો હડતાલ ઉપર ઉતરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.