- વિસ્તારમાં ઘૂમાડાના ગોટેગોટા દેખાતા ફાયર ફાયટર પહોંચી જઈને આગને કાબુમાં લીધી.
- આગ લાગેલ જગ્યામાં રાધન પ્લાસ્ટિક નામનું બોર્ડ મારીને ગેટ પર તાળું મારેલ.
- સરકારના કેમીકલ વેસ્ટની નિકાલના અમલ માટે સંચાલકોની મનમાની.
- નિયમો હોવા છતાં તંત્રની ઐસીતૈસી કરીને ગેરકાયદેસર રીતે કરાતો કચરાનો નિકાલ.
- નકામો કચરો અહીંં ગેરકાયદેસર એકત્ર કરીને સળગાવાતો હોવાનું ધ્યાને આવ્યું.
કાલોલ,
કાલોલ જીઆઈડીસી વિસ્તારમાં આવેલા પ્લોટ નંબર ૩૯-૪૦માં આવેલ રાધન પ્લાસ્ટીકમાં તાજેતરમાં એકાએક આગ લાગતા સમગ્ર વિસ્તારમાં ઘૂમાડાના ગોટેગોટા દેખાતા હતા. બસ સ્ટેન્ડ સુઘી આ વિકરાળ આગની ધૂમ્ર શેરો દેખાતી હતી. જોકે નજીકથી સ્થાનિક કંપની યુ.પી.એલ. ના ફાયર ફાયટર સહિત કાલોલ નગરપાલીકાનું ફાઈટર ઘટનાસ્થળે પહોંચી જઈને આગને કાબુમાં લીધી હતી. આગ લાગેલ જગ્યામાં રાધન પ્લાસ્ટિક નામનું બોર્ડ મારીને ગેટ પર તાળું મારીને અંદર કેમિકલ કંપનીઓનો નકામો કચરો અહીંં ગેરકાયદેસર એકત્ર કરવામાં આવતો હોવાનું બહાર આવ્યું છે.
મળતી માહિતી મુજબ કાલોલ પાસેની એલેમ્બિક કેમિકલ તથા ઇન્ડીચર કંપનીનું વેસ્ટ મટીરીયલનો નિકાલ કરવા (સરકારી ગાઈડ લાઈન મુજબ રિસાયકલ કરાવી, સીમેન્ટ કંપનીમાં યા તો ગર્વમેન્ટ કોમન ઇનસિરેશન પ્લાન્ટમાં ઇનસિરેટ કરાવવા મોકલવાનું હોય છે) લાયસન્સ મેળવીને આ કંપનીના સંચાલકો કેમિકલના ખાલી ડ્રમ, બેરલો, ક્ધટેનર, ફાર્મા કંપની, ફુડ પ્રોસેસીંગ, કોસ્મેટિક, ટેકસટાઇલ, પેઇન્ટ્સ ફોરમુલેશન અને બ્રેવરીઝ જેમા પ્લાસ્ટીક ઈન્ડસ્ટ્રીઝ સિવાયની કંપનીઓનો નકામો અને જોખમી કચરો સરકારી નિયમોનુસાર નીકાલ કરવા માટે નો પરવાનો મેળવાનો હોય છે. પરંતુ કાલોલ જીઆઈડીસી ખાતે પ્લોટ નં ૩૯ અને ૪૦માં ખાલી બેરલ રાખવાની પરવાનગી લઈ આ કંપનીમાં ગેરકાયદેસર રીતે કેમીકલ વેસ્ટ ભરેલા બેરલો સંગ્રહ કરવામા આવે છે તેટલુ જ નહીં પરવાનગી વગર નજીકમાં આવેલા બંધ શેડ (એમ.જે. વુલન)માં પણ આ જોખમી કચરો એકઠો થાય છે. અહીં આવેલ રાધન કંપનીના સંચાલક પાસે એલેમ્બિક તથા ઇન્ડીચર નો માલ ઉપાડવાનું લાયસન્સ છે કે કેમ? તથા આ બાબતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પરવાનગી મેળવી છે કે કેમ? આ ઉપરાંત પરવાનગી વગર જોખમી કચરો એમ. જે વૂલન ના બંધ પડેલા શેડ માં કોની પરવાનગી થી અંદાજે ૫૦૦ ટેમ્પા જેટલો કચરો ઠલવાઈ રહ્યો છે?
તાજેતરમાં અમદાવાદ ખાતે એક કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થવાથી મહામૂલા માનવોની જિંદગી હોમાઇ ગઇ હતી. ત્યારે સોમવાર ની આગે નીતિ નિયમોને નવે મૂકવાની સાથે લોકોમાં ભયની લાગણી પ્રસરાવી દીધી હતી. અને સરકારી નિયમોમાં પોલમપોલ હોવાનું સ્થળ તપાસમાંં બહાર આવ્યુ હતું. જો પૂન: આવી આગ લાગી વિકરાળ સ્વપ ધારણ કરી આજુબાજુની કંપની તેમજ નજીકમાં આવેલ રહેણાંક વિસ્તાર ને લપેટામાં લેશે તો જવાબદારી કોની?
તંત્ર કોઈ મોટી દુર્ઘટના ની રાહ જોવે છે…
આ કંપનીની અંદરમાં શ્રમિકો જીવના જોખમે કામ કરે છે અને ટેમ્પો મારફતે કેમિકલ કંપની નો કચરો હોય કે અન્ય સામગ્રીની હેરાફેરી ઉપરાંત અન્યત્ર ખાલી થતો હોય છે. તેમ છતા પણ કંપનીનો ગેટ કોઈ કારણોસર બંધ રાખવામાં આવે છે. જે બાબત ખૂબ જ સંશોધન માંગી લે તેમ છે. વધુમાં પાવાગઢ નજીક પણ ખુલ્લા ખેતરમાં કેમિકલનો જોખમી કચરો સળગાવવામાં આવે છે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે આ બાબતે વહીવટી તંત્ર ને કોઈ જાણકારી છે કે પછી બધું રામ ભરોસે ચાલી રહ્યું છે કે પછી કોઈ મોટી દુર્ઘટના ની રાહ જોવાઈ રહી છે તે પણ તપાસ નો વિષય બની જાય છે.