કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન સ્થિત મુખ્ય રેલ્વે ફાટક નં.-32 પર ઓવરબ્રિજની ચાલી રહેલી કામગીરી દરમિયાન ધુળ, ટ્રાફિક અને ભારે વાહનોની ધુસણખોરીને પગલે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરતા હોવાની રજુઆત અવાર નવાર કરવામાં આવી છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. જે મઘ્યે તાજેતરમાં ખાબકેલા સામાન્ય વરસાદથી ઓવરબ્રિજની બંને તરફના કાચા રસ્તા પર પાણીનો ભરાવો થઈ જતાં ચોમાસામાં શુ સ્થિતિ હશે ? એ અંગે ગ્રામજનોએ પંચમહાલ જિલ્લા કલેકટરને રજુઆત કરી યોગ્ય સંરક્ષણ આપવાની લોકમાંગ કરી છે.
તાજેતરમાં ચોમાસુ સીઝન પહેલા એક સામાન્ય વરસાદી ઝાપટાને પગલે રોડ ઉપર મોટા-મોટા ખાડા પડીને પારાવાર કિચડથી ખદબદતો રસ્તો બની ગયો છે. જેના કારણે સ્થાનિક લોકોની હાલાકીઓ વધતી જોવા મળે છે. જેથી ચોમાસામાં રસ્તાની હાડમારીઓ વેઠવી પડે અને કાદવ કિચડથી લોકોના આરોગ્ય સાથે ખીલવાડ કરીને કોઈ રોગચાળાનો ભોગ બને તે પહેલા તાત્કાલિક અસરથી ચોમાસા પહેલા સર્વિસ રોડ તથા જરૂરી ગટરલાઈન બનાવવા ગ્રામજનોએ જિલ્લા કલેકટરને આવેદન મારફતે રજુઆત કરી અસરકારક કાર્યવાહી કરવાની માંગ કરી છે.