- સરપંચ પરિવારના સભ્યોના ૮ નામે જોબકાર્ડ.
- બોગસ જોબકાર્ડ ધરાવતી ઓનલાઈન યાદી ડીલેટ કરાઈ.
- પંચમહાલ સમાચારના અહેવાલ બાદ કૌભાંડીઓમાં ચિંતા છતાં તંત્ર કેમ કાર્યવાહી કરતું નથી.
કાલોલ,
કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન ગ્રામ પંચાયતમાં કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી મનરેગા યોજનામાં મોટા પ્રમાણમાં ગોબાચારી આચરી હોવાનો પર્દાફાશ થવા પામ્યો છે. મનરેગા યોજનામાં જોબકાર્ડ દ્વારા શ્રમજીવીઓને રોજગારી પુરી પાડવામાં આવી છે. આ યોજનામાં ગ્રામ પંચાયતના સરપંચના પરિવાર અને મળતીયાઓના નામે જોબકાર્ડ બનાવી જરૂ રીયાતમંદ શ્રમિકોને મળવા પાત્ર લાભ ઉપર તરાપ મારવામાં આવી છે. પંચમહાલ સમચાર દૈનિકમાં મનરેગા જોબકાર્ડમાં આચરવામાં આવેલ ગેરીતિનો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હોવા છતાં જીલ્લા વહીવટીતંત્ર આવા કૌભાંડની તપાસ કરવા માટે કોઈ કાર્યવાહી હાથ ધરી નથી. જેને લઈ આવા કૌભાંડ આચરતા લોકોનું મનોબળ મજબુત થતું હોય ત્યારે સરકારી યોજનાઓનો સાચો લાભ લોકો સુધી ન પહોંચવા દેતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે ખરી ?
કાલોલ તાલુકાન ડેરોલ સ્ટેશન ગ્રામ પંચાયત દ્વારા કેન્દ્ર સરકારની ઘરે બેઠા રોજગારી પુરી પાડવાની મનરેગા યોજનામાં જરૂરીયાતમંદ શ્રમિકોના જોબકાર્ડ બનાવવામાં આવ્યા હતા અને જોબકાર્ડના આધારે મનરેગા યોજનામાં રોજગારી પુરી પાડી જોબકાર્ડમાં હાજરી ભરીને નાણાંની ચુકવણી કરવામાં આવે છે. સરકારના મનરેગા યોજનાના જોબકાર્ડ તલાટી, ગ્રામ સેવક અને સરપંચની જાણકારીમાં જરૂરીયાતમંદ શ્રમિકોની ઓળખ કરીને બનાવવામાં આવતા હોય છે. આવા બોગસ જોબકાર્ડ બનાવવાનું કૌભાંડ તાલુકાના ડેરોલ સ્ટેશન ગ્રામ પંચાયતમાં બહાર આવ્યું છે. ગ્રામ પંચાયત વિસ્તારમાં મનરેગા યોજનાના જોબકાર્ડ બનાવવામાં આવતાં પહેલા રોજગારી માટે જરૂરીયાતમંદ શ્રમિકોની ઓળખ કરવામાં આવતી હોય છે. અને શ્રમિકોના ઓળખના પુરાવા તરીકે આધારકાર્ડ કે ચુંટણીકાર્ડ દર્શાવવાનું રહેતું હોય છે. તેમ છતાં ડેરોલ સ્ટેશન ગ્રામ પંચાયતમાં ગ્રામના સર્વેક્ષણ ગણતા હોય તેવા પ્રથમ નાગરિક એવા સરપંચના પરિવારના સભ્યો તેમજ મળતીયાઓના નામે બોગસ જોબકાર્ડ બનાવવામાં આવ્યા છે અને તાલુકા પંચાયત કચેરીની મનરેગા વિભાગના ઓનલાઈન કેસમાં આવા બોગસ જોબકાર્ડ ધારકોના ઉલ્લેખ કરવામાં આવેલ હતા પરંતુ પંચમહાલ સમાચાર દ્વારા ડેરોલ સ્ટેશન ગ્રામ પંચાયતના સરપંચ પરિવારના બોગસ જોબકાર્ડ અંગેના અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. તેની સાથે તાલુકા મનરેગા કચેરીના ઓનલાઈન જોબકાર્ડ યાદીમાંથી ૮ જોબકાર્ડ ધારકોના નામો ડીલેટ કરીને બોગસ જોબકાર્ડનું કૌભાંડ છુપાવવાની પેરવી કરવામાં આવી છે. સરકારી રેકર્ડ ઉપર દર્શાવેલ કેસને ડીલેટ કરવામાં આવ્યો છે. જે મનરેગા યોજનામાં બોગસ જોબકાર્ડ કૌભાંડ આચરવામાં આવ્યું તે પુરાવો છે. તેમ છતાં કાલોલ તાલુકા પંચાયત કચેરી કે જીલ્લા આર.ડી.એ. વિભાગે કાર્યવાહી નહિ કરી કૌભાંડને છાવરવામાં આવી રહ્યું છે.
કાલોલ તાલુકાના સણસોલી, વેજલપુર, રાબોડ, મલાવ, ડેરોલ જેવી ગ્રામ પંચાયતોમાં પણ મનરેગા યોજનાના કૌભાંડ થયાની શકયતાઓ છે.