કાલોલના એરાલ ગામેથી બે બોગસ ડોક્ટર ઝડપાયા: SOGએ દરોડો પાડી બે ડોક્ટરોને ઝડપી તમામ મુદ્દામાલ કબજે કર્યો.

કાલોલ તાલુકાના એરાલ ગામેથી ડિગ્રી વગર ગેરકાયદેસર દવાખાનું ચલાવતા બે બોગસ ડોક્ટર ઝડપાયા છે. પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં માન્ય ડિગ્રી વગર ગેરકાયદે રીતે દવાખાનું ખોલી આ શખ્સ લોકોની સારવાર કરી રહ્યો હોવાની બાતમી ગોધરા એસ.ઓ.જી. શાખાના અધિકારીઓ અને કાલોલ તાલુકા હેલ્થ ઓફિસરને મળી હતી. જે બાતમીના આધારે ડિગ્રી વગર ગેરકાયદે રીતે દવાખાનું ચલાવતા બે તબીબોને ઝડપી પાડ્યા હતા.


પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય પંથકના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ડિગ્રી વગરના બોગસ તબીબ બિન્દાસપણે પ્રેક્ટીસ કરી રહ્યાં હતા. કોઇપણ જાતની ડિગ્રી કે તબીબી અનુભવ વગરના આવા લેભાગુ તત્વો અંતરિયાળ વિસ્તારમાં દવાખાનું ખોલી લોકોની સારવાર પણ કરી રહ્યાં હોવાની અવારનવાર લોક રજૂઆતો પણ ઉઠી હતી. ત્યારે ગઇકાલે ગોધરા એસ.ઓ.જી. શાખા અને કાલોલ તાલુકા હેલ્થ ઓફિસર મિનેષ કુમાર વી.દોશીને બાતમી મળી હતી કે, વેજલપુર પોલીસ સ્ટેશનના હદમાં આવેલા એરાલ નિશાળ ફળિયામાં અને એરાલ મેન બજારમાં એક મકાનમાં ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવી શખસ ડોક્ટર તરીકેની એલોપેથિક માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર પ્રેક્ટીસ કરી લોકોને એલોપેથિક દવાઓ પણ આપી રહ્યો છે. પોલીસે દરોડો પાડીને ગેરકાયદેસર દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટર સરનદુ શુકલાલ હલદર અને ઉજ્જવલ કુમાર નિર્મલ ઇન્દુ હલદરને ઝડપી લીધા હતા.

પોલીસે બોગસ ડોક્ટર પાસેથી જુદી-જુદી કંપનીઓની એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન તથા મેડીકલના સાધનો મળી રૂપિયા 67,664ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. આ શખ્સ સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર ધી ગુજરાત રજિસ્ટર મેડીકલ પ્રેક્ટીસ એક્ટ 1963ની કલમ 30 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.