કાલોલ,મુંબઈની પ્રસિદ્ધ હિન્દી ફિલ્મો બનાવતી પ્રોડક્શન કંપની યશરાજ ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા કોઈપણ જાતના પ્રચાર પ્રસાર કે જાહેરાત કે કોઈપણ જાતના એક પણ માધ્યમો પર ટ્રેલર રિલીઝ કર્યા વિના ગુપચુપ રીતે તારીખ 14/06/2024 ના રોજ ઓટીટી પ્લેટફોર્મના નેટ ફ્લિક્સ પર મહારાજ નામની ફિલ્મ રિલીઝ કરવામાં આવી છે. જેના પર ગુજરાત હાઇકોર્ટ દ્વારા સ્ટે આપ્યો છે.જે ફિલ્મ સૌરભ શાહ દ્વારા લખવામાં આવેલ મહારાજ પુસ્તક પરથી બનાવવામાં આવેલ છે અને તે પુસ્તક ને આર.આર.શેઠ એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે.
જેમાં મહારાજ પુસ્તક પરથી યશરાજ ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડના બેનર હેઠળ મહારાજ ફિલ્મ બનાવવામાં આવી છે. જેમાં બોલીવુડના જાણીતા અભિનેતા અમીરખાનના પુત્ર જુનેદ ખાન પ્રથમવાર અભિનય કરી રહયો છે. જે જુનેદખાનની અભિનેતા તરીકેની પ્રથમ ફિલ્મ છે. જેમાં મહારાજ ફિલ્મમાં સમગ્ર વિશ્ર્વના કરોડો ભક્તોના આરાધ્યા ભગવાન કૃષ્ણની છબીને પૃષ્ઠભૂમિમાં બતાવી હિન્દુ ધર્મના ધર્મગુરૂને ખૂબજ ગંદી અને ખોટી રીતે ફિલ્મમાં દર્શાવી ધર્મગુરૂં ને ખોટી રીતે ફિલ્મમાં ચિત્રિત કરી વિશ્વના કરોડો હિન્દુઓના હૃદયમાં વસેલા અને તેઓના હૃદય પર રાજ કરનાર ભગવાન કૃષ્ણની છબીને ખોટી રીતે બતાવી ધર્મગુરૂના પાત્રને ગંદી રીતે બતાવવાનો હિન પ્રયાસ કરાયો છે.
જેને લઈને સમસ્ત સનાતન ધર્મમાં માનનારા તમામ હિન્દુઓ સહિત સમસ્ત વિશ્ર્વના વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલા તમામ હિન્દુ ધર્મના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાની કોશિષ કરવામાં આવી છે. જેને લઇને સમગ્ર વિશ્ર્વભરમાં રહેતા તેમજ ભારત ભરના અને ગુજરાત રાજ્યના તમામ વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલા લોકોમાં મહારાજ ફિલ્મ તેમજ તેના બેનરને લઈને ભારે વિરોધ સાથે ગુસ્સો પેદા થવા પામ્યો છે. જેને લઈને સમગ્ર ગુજરાત રાજ્ય સહિત દેશભરમાં પુસ્તક લખનાર સૌરભ શાહ તેને પ્રકાશિત કરનાર કંપની તેમજ ફિલ્મ બનાવનાર યશરાજ ફિલ્મ્સ તેમજ ફિલ્મના ડાયરેક્ટર ફિલ્મના કલાકારો સહિતના લોકો સામે ભારે ગુસ્સો પેદા થયો છે અને તમામની સામે ફરિયાદ દાખલ કરવા માટેની ઉગ્ર માંગ સાથે ઠેર-ઠેર તંત્રને આવેદનપત્ર આપી તાત્કાલિક અસરથી ગુનો નોંધવા માટેની માંગણી કરવામાં આવી રહી છે.
ત્યારે આજે 3:30 કલાકે હિંદુ ધર્મના અનુયાયીઓ પ્રાયગરાજ ચોકમાં એકઠા થઇ બાઈક રેલી કાઢી સમસ્ત વૈષ્ણવ સંપ્રદાય અને સનાતન હિંદુ સમાજ દ્વારા મહારાજ ફિલ્મનો વિરોધ કરી આ ફિલ્મને વખોડી કાઢી તેની સાથે સંકળાયેલા તમામ લોકો સામે ગુનો દાખલ કરવાની ઉગ્ર માંગ સાથે ભારે સૂત્રોચાર કરી કાલોલ મામલતદાર કચેરી અને કાલોલ પોલીસ મથકે પહોંચી કાલોલ મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર અને કાલોલ પોલીસ મથકે પીએસઆઈ એલ.એ.પરમારને આવેદનપત્ર પાઠવી મહારાજ ફિલ્મ ઉપર તાત્કાલિક રોક લગાવવા અને મહારાજ ફિલ્મ બનાવનાર તેમજ તેનું ડાયરેક્શન કરનાર તેની સ્ટોરી લખનાર તેમજ તેની અંદર અભિનય કરનાર અને આવી વાહિયાત ફિલ્મ સાથે સંકળાયેલા તમામ લોકો સહિત મહારાજ પુસ્તક લખનાર સૌરભ શાહ અને તેને પ્રકાશિત કરનાર કંપની સામે તાત્કાલિક ફરિયાદ દાખલ કરી વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આવા તમામ લોકોને જેલના સળિયા પાછળ ધકેલી દેવાની માંગણી કરાઇ છે અને સમગ્ર વિશ્વના કરોડો હિન્દુ ધર્મના લોકો અને વૈષ્ણવ સંપ્રદાયના લોકોની ભાવનાને ઠેસ પહોંચાડના મહારાજ ફિલ્મ સાથે જોડાયેલા અને પુસ્તક લખનાર તમામ લોકોને સામે ભારે આક્રોશ અને ગુસ્સો વ્યક્ત કરી તેઓની ઉપર ફિટકાર વસાવ્યો છે અને ભવિષ્યમાં આવી ફિલ્મો બનાવનારા લોકો ઉપર રોક લગાવવા માટે આ ફિલ્મ સાથે જોડાયેલા તમામ લોકોને સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી કરીને અવાર નવાર હિન્દુ ધર્મની લાગણીઓને ઠેસ પહોંચાડી ફિલ્મો બનાવતા અને પુસ્તકો લખતા લોકોને સબક મળે તેવો દાખલો બેસાડવા માટેની ઉગ્ર માંગ કરી છે.