અમિતાભ બચ્ચન અને કમલ હાસન સાથેની પ્રભાસની ’કલ્કિ ૨૮૯૮ એડી’ આ વર્ષની સૌથી મોટી હિટ પુરવાર થઈ છે. ’સાલાર’ બાદ ’કલ્કિ’ની સફળતાએ પ્રભાસના સ્ટારડમને વધારે મજબૂત બનાવ્યું છે ત્યારે અરશદ વારસીને ’કલ્કિ’માં પ્રભાસને જોયાં પછી નિરાશા સાંપડી છે. અરશદનું માનવું છે કે, ’કલ્કિ’માં પ્રભાસને સાવ જોકર જેવો બતાવવામાં આવ્યો છે.
અરશદ વારસીએ એક પોડકાસ્ટ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ’કલ્કિ’માં અમિતાભ બચ્ચનનો રોલ ખૂબ દમદાર હતો અને અશ્ર્વત્થામા તરીકે તેઓ પ્રભાવિત કરતા હતા. જ કે પ્રભાસનું કેરેક્ટર જોઈને દુ:ખી થઈ જવાતું હતું. પ્રભાસ જોકર હોય તેવું લાગતું હતું. આ કેરેક્ટરમાં મેડ મેક્સ અથવા મેલ ગિબ્સનને જોવાની ઈચ્છા હતી. તેના બદલે આ શું બનાવી દીધું, તે જ સમજાતું નથી.
અરશદ વારસીની આ ટીકાનો પ્રભાસે કોઈ જવાબ આપ્યો નથી, પરંતુ ડાયરેક્ટર અજય ભુપતિએ જણાવ્યું હતું કે, અરશદ વારસીને પ્રભાસની ઈર્ષા થઈ રહી છે. પ્રભાસ જેટલું એટેન્શન અરશદને મળતું નથી. જેના કારણે તેઓ આવી ટીકા કરી રહ્યા છે. પ્રભાસને દેશનું ગૌરવ ગણાવીને અજયે અરશદને ટ્રોલર્સના ટાર્ગેટ પર લાવી દીધો હતો. અરશદના આ ઈન્ટરવ્યૂ બાદ પ્રભાસના ચાહકો તેના પર રીતસરના તૂટી પડ્યા છે, જ્યારે કેટલાક ફિલ્મ રસિયાઓએ અરશદની આ ટકોરને હકારાત્મક રીતે લઈ સુધારો કરવા જણાવ્યું છે.