ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના જૂના પહાડિયા ગામની જેમ જ કાલીપુરા ગામનો દસ્તાવેજ પણ બારોબાર કરવામાં આવી ગયો છે. હવે આ પ્રકારના કૌભાંડમાં પોલીસ કર્મચારીઓ પણ સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે. હાલમાં તો બે પોલીસ કર્મચારીઓ આ કૌભાંડમાં સંડોવાયેલા હોવાનું મનાય છે. તેના લીધે પોલીસ આ કૌભાંડનો કેસ લેવાનો ઇક્ધાર કરી રહી છે.
જૂના પહાડિયાની જેમ આ જમીનનો વેચાણ દસ્તાવેજ ગામલોકોની જાણ બહાર થઈ ગયો છે. તેના લીધે અહીંના ગામવાસીઓની સ્થિતિ વણસી છે. સાત બારમાં નામ ધરાવતા ત્રણ વારસદારોએ જમીન બારોબાર વેચી મારી છે. તેમા પણ આ જમીન ખરીદનારાઓમાં બે જણા પોલીસ કર્મચારી હોવાનું મનાય છે. આ બંનેને રાજકીય પીઠબળ હોવાનું મનાય છે.
ગ્રામીણોનો આરોપ છે કે એકબાજુએ પોલીસ ફરિયાદ ન કરવા દબાણ કરી રહી છે તો બીજી બાજુએ જમીન ખરીદનારાઓ સમાધાન કરવા ધમપછાડા કરી રહ્યા છે. દહેગામ તાલુકાના સાંપા ગામનું કાલીપુરા પેટાપરુ ગણાય છે. આ કાલીપુરાનો રીસર્વે નંબર ૩૪૭ની ૧.૬૮ વીઘા જમીનનો દસ્તાવેજ બારોબાર કરી દેવાયો છે. તેના લીધે કાલીપુરાના રહેવાસીઓમાં સોંપો પડી ગયો છે. આ દસ્તાવેજ પાછો છેક એપ્રિલમાં કરી દેવાયો છે. અરજદારોએ આની સામે પ્રાંત કચેરીમાં વાંધા અરજી કરી વેચાણને રદ કરવા માંગ કરી છે.
વાંધા અરજીમાં જણાવ્યા પ્રમાણે ગીતાબેન બકાજી ડાભી, સીતાબેન બકાજી ડાભી, કાળીબેન માસંજગી ઠાકોર, કિરીટજી બકાજી ડાભી, રઇબેન બકાજી ડાભીએ ૧૮ એપ્રિલના રોજ જમીન વેચાણ દસ્તાવેજ કર્યો હતો. આ જમીન સ્નેહલબેન જૈમીનભાઈ બારોટ, મનોજભાઈ કનુભાઈ બારોટ, દેવેન્દ્રસિંહ જોરાવરસિંહ ચંપાવતે ખરીદી છે. આ તમામે ૭-૧૨ના અન્ય હિસ્સેદારોની સહી અને સંમતિ કે કબૂલાત વગર જમીન આપી દીધી છે.
બીજી બાજુ અન્ય વારસદારો દ્વારા તેમની જાણ બહાર આ વેચાણ દસ્તાવેજ કરવામાં આવ્યો હોવાથી તકરારી દાખલ કરાવવામાં આવી છે અને તેના આધારે આગામી દિવસમાં તેની મુદત પણ રાખવામાં આવી છે. દહેગામ તાલુકાના ગામોમાં આ પ્રકારે બારોબાર ગામોની જગ્યાનો વેચાણ દસ્તાવેજ થઈ જવાની ઘટનાને પગલે હવે વહીવટી તંત્ર દ્વારા પણ આ મામલાઓને ગંભીરતાથી લઈને ગામોના રેકોર્ડ ચકાસવા પડશે.