કાલે કોનો વારો આવશે? તે યક્ષ પ્રશ્ર્ન ની ચર્ચાઓ વચ્ચે અનેક મરણીયા પ્રયાસબાદ દાહોદ સ્ટેશન રોડના વેપારીઓ પોતાની દુકાનો ખાલી કરવામાં જોતરાયા : સ્થાનિક રાજકીય આકાઓ પણ આ મુદ્દે હાથ ઊંચા કરી દૂર ભાગતા જોવા મળ્યા.

દાહોદ,દાહોદમાં સ્માર્ટ સિટી અંતર્ગત તળાવના બ્યુટીફિકેશનની કામગીરી પૂર્ણતાના આરે છે. ત્યારે સ્માર્ટ સિટી અંતર્ગત રસ્તા પહોળા કરવાની કામગીરી હાથ ધરવામાં આવે તે પહેલા તેમાં અડચણરૂપ ગેરકાયદે દબાણો તોડવા જરૂરી હોવાથી ગેરકાયદે દબાણો નક્કી કરવા સ્માર્ટ સિટી સમિતિ, સીટી સર્વે કચેરી અને નગરપાલિકા દ્વારા પોલીસને સાથે રાખી સરકારી ખર્ચે માપણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને તેમાં અડચણરૂપ ગેરકાયદે દબાણ ઉપર માપ પ્રમાણે નિશાન મારવામાં આવ્યા હતા. અને તે નિશાનને ધ્યાને રાખી ગત તારીખ 4- 5 -2023 ના રોજ થી શહેરના ગોધરા રોડથી દેસાઈવાડ સુધીના તેમજ ગોદી રોડ પરના ગેરકાયદે દબાણો તોડી પાડી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. આ કામગીરીના પગલે શહેરના વેપારીઓમાં ફફડાટ ફેલાવવા પામ્યો હતો. અને વેપારીઓએ અંદરોઅંદર મિટિંગોનો દોર શરૂ કરી પોતાની દુકાનો બચાવવાના મરણીયા પ્રયાસો આદર્યા છે ત્યારે બીજી તરફ તંત્ર પણ આ મુદ્દે અડગ હોવાનું જાણવા મળ્યું છે.

સ્માર્ટ સિટી અંતર્ગત દાહોદના 10 જેટલા રસ્તાઓ પહોળા કરવાની મંજૂરી મળી છે. જેમાં (1) ગોધરા રોડ એન્ટ્રીથી ઝાલોદ રોડ આઇટી આઇ સુધીનો રસ્તો (2) સરસ્વતી સર્કલ થી ડો. આંબેડકર સર્કલ (3) બિરસા મુંડા સર્કલથી સરદાર પટેલ સર્કલ (4) માણેકચોકથી એપીએમસી સર્કલ (5) ઠક્કરબાપા ચોકથી ચાકલીયા સર્કલ (6) ગોદી રોડ (7) મંડાવાવ રોડ (8) અર્બન બેંક હોસ્પિટલથી ઇન્દોર હાઇવે (9) રળીયાતી રોડ તથા (10) ઓલ્ડ ઇન્દોર રોડનો સમાવેશ કરવામાં આવ્યો છે. હાલ સરસ્વતી સર્કલથી ડો. આંબેડકર સર્કલ સુધીના રસ્તા નું કામ ચાલી રહ્યું છે. જ્યારે બાકીના નવ જેટલા રસ્તાઓના કામ બાકી છે અને જ્યાં સુધી તે રસ્તાને આડે આવતા ગેરકાયદે દબાણો ખસેડી રોડ ખુલ્લો કરી આપવામાં નહીં આવે ત્યાં સુધી તે નવે નવ રસ્તા પહોળા કરવાની કામગીરી શરૂ કરવી શક્ય નથી. લગભગ આવા મોટાભાગના ગેરકાયદે દબાણ કરતાઓને પોતાના ગેરકાયદે દબાણ સ્વૈચ્છાએ ખસેડી લેવા માટેની નોટિસ પણ પાઠવી દેવામાં આવી છે અને ડિમોલિશનની કામગીરી અટક્યા વિના આ આખો મહિનો ચાલવાની હોવાનું બિન સત્તાવાર જાણવા મળ્યું છે.

દાહોદ સ્ટેશન રોડ પર દુકાનદારોને પાઠવવામાં આવેલ નોટિસની તારીખમાં વિસંગતતા જણાતા મોટાભાગના દુકાનદારોએ નોટીસ સ્વીકારવાની ના પાડી દેતા તંત્ર દ્વારા તેઓની દુકાનો પર નોટિસ ચોટાડવામાં આવી હતી. ત્યારબાદ તે વેપારીઓ આ બાબતે કલેક્ટરને રજૂઆત કરવા ગયા હતા. જ્યાં કલેક્ટરે તેઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની હૈયા ધારણ આપી હતી. પરંતુ દબાણ તોડવાના મુદ્દે તેઓ મક્કમ રહ્યા હતા. ત્યારબાદ વેપારીઓ દ્વારા મીટીંગોનો દોર શરૂ થઈ ગયાનું જાણવા મળ્યું છે. તેમ છતાં કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર ન આવતા વેપારીઓમાં દિશાહિનતા તેમજ નિરાશા જોવા મળી રહી છે. અને ગઈકાલથી તો સ્ટેશન રોડના વેપારીઓ પોતાની દુકાનમાંથી સામાન ખાલી કરી અન્યત્ર ખસેડતા જોવા મળ્યા છે. તેવા સમયે કાલે કોનો વારો આવશે? તે યક્ષ પ્રશ્ર્ન દાહોદના વેપારીઓને રાત દિવસ સતાવી રહ્યો છે. ત્યારે સ્થાનિક રાજકીય આકાઓ પણ આ મુદ્દે હાથ ઊંચા કરી દૂર ભાગતા જોવા મળી રહ્યા છે.