જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ડેરી ગામમાં મોડી સાંજે વરસાદના કારણે એક વોકળામાંથી ૬ વ્યક્તિઓ સાથે પસાર થઈ રહેલું એક બળદગાડું પાણીમાં તણાયું હતું, જે બનાવમાં બે બળદ અને દોઢ વર્ષના એક બાળકના મૃત્યુ નીપજ્યા છે. જ્યારે બે મહિલા સહિતના અન્ય પાંચ વ્યક્તિનો બચાવ થયો છે.
બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના ડેરી ગામમાં રહેતા ખેડૂત ધર્મેન્દ્રસિંહ ભુપતસિંહ જાડેજાની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા મૂળ મયપ્રદેશના અલીરાજપુરના વતની રીતેશભાઈ ધનસિંગભાઈ ડાવર નામના પર પ્રાંતિય શ્રમિક પરિવારના મહિલા બાળકો સહિતના પાંચ સભ્યો અને ખેડૂત ધર્મેન્દ્રસિંહ જાડેજા કે જેઓ ખેતી કામ પૂરું કરીને ભગત ખીજડીયા ગામેથી ગાડામાં બેસીને ડેરી ગામ તરફ આવી રહ્યા હતા.
જે દરમિયાન ડેરી ગામના જુના રસ્તે મગનભાઈ જેરામભાઈ ની વાડી નજીકના વિસ્તારમાં એક વોકળામાંથી ગાડુ પસાર થઈ રહયું હતું, જે દરમિયાન એકાએક વરસાદી પાણી આવી જતાં બળદ ગાડું પલટી મારી ને વોકળામાં તણાઈ ગયું હતું, જેના કારણે બંને બળદો પાણીમાં ડૂબી ગયા હતા.જેની સાથે શ્રમિક પરિવાર નો દોઢ વર્ષનો બાળક રવિ રિતેશભાઈ ડાવર કે જે પણ પાણીમાં તણાયો હતો. બાકીના બે મહિલા સહિતના અન્ય પાંચ વ્યક્તિઓ કે જેઓને આસપાસના વિસ્તારના લોકોએ બહાર કાઢી લેતાં તે તમામનો બચાવ થયો હતો.
આ બનાવ અંગે વહીવટી તંત્ર ને જાણ કરાતાં કાલાવડના મામલતદાર ની ટીમ તથા પોલીસ ટુકડી વગેરે ઘટના સ્થળે પહોંચી હતી, અને કાલાવડ ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. જે ફાયરની ટીમની શોધખોળ પછી દોઢ વર્ષના બાળક રવિ રિતેશભાઇ ડાવરનો મૃતદેહ પાણીમાંથી મળી આવ્યો હતો. જેનો પોલીસે કબજો સંભાળી લઈ પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. દોઢ વર્ષના માસુમ બાળકના મૃત્યુને લઈને શ્રમિક પરિવારમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું હતું.