ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશ પર સર્જાયેલી સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભરશિયાળે અષાઢનાં એંધાણ હવામાન વિભાગે વ્યક્ત કર્યાં છે. આજથી ત્રણ દિવસ, એટલે કે 26, 27 અને 28 ડિસેમ્બરે રાજ્યમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદના રાઉન્ડની આગાહી કરી હતી, ત્યારે અમદાવાદમાં મોડીસાંજે મણિનગર, ઇસનપુર સહિત પૂર્વ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. અચાનક વરસાદ વરસતાં કાંકરિયા કાર્નિવલમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે આવતીકાલે(27 ડિસેમ્બર) છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં બરફનાં કરાં વરસી શકે છે. અહીં વીજળીના ચમકારાનું ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે.
કાંકરિયા કાર્નિવલમાં રંગમાં ભંગ પડ્યો અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારો- ઇસનપુર, મણિનગર, કાંકરિયા, રાયપુર, ખોખરા, હાટકેશ્વર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. વરસાદી ઝાપટાંને કારણે કાંકરિયા કાર્નિવલના કાર્યક્રમમાં લોકોના રંગમાં ભંગ પડ્યો હતો. લોકો કાર્નિવલનો કાર્યક્રમ છોડીને બહાર નીકળી ગયા હતા. કાંકરિયા કાર્નિવલનો કાર્યક્રમ થોડીવાર માટે બંધ કરી દેવો પડ્યો હોવાનું જાણવા મળ્યું છે.
3 દિવસ સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ, એટલે કે 2.5 મિમીથી માંડીને અઢી ઈંચ સુધીનો વરસાદ પડે એવી વકી છે. આ દરમિયાન પ્રતિ કલાકે 30થી 40 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. કમોસમી વરસાદની શક્યતા 51%થી 75% છે. ભરશિયાળે ચોમાસા જેવી સ્થિતિને પગલે લઘુતમ તાપમાન 2થી 4 ડિગ્રી વધશે, એટલે ઠંડી ઘટશે.
બીજી તરફ શિયાળુ પાકને લઈને ખેડૂતો ભારે મુસીબતમાં મુકાયા છે, કારણ કે ગાઢ ધુમ્મસને કારણે શિયાળા પાક પર અસર થઈ રહી છે, એમાં જો કમોસમી વરસાદ પડશે તો ધરતીપુત્રોને રાતા પાણીએ રોવાનો વારો આવી શકે છે. હાલ ખેડૂતો કુદરતને એટલી જ પ્રાર્થના કરી રહ્યા છે કે આ ઘાત માથેથી ટળે…
છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં બરફનાં કરાં વરસી શકે છેઃ એ. કે. દાસ હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું હતું કે આજથી ત્રણ દિવસ ગુજરાતમાં ગાજવીજ સહિત વરસાદની સંભાવના છે. મધ્ય ગુજરાતને બાદ કરતાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત પવનની ગતિ પણ વધુ રહેશે. જે વિસ્તારમાં વરસાદની શક્યતા છે ત્યાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે વીજળીના ચમકારાનો પણ અનુભવ થશે. આ ઉપરાંત આવતીકાલે 27 ડિસેમ્બરના રોજ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં બરફનાં કરાં વરસી શકે છે. અહીં વીજળીના ચમકારાનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
વધુમાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે રાજ્યના અનેક જિલ્લાઓમાં તીવ્ર માવઠાની આગાહી છે. અમુક વિસ્તારમાં ભારે તો અમુક વિસ્તારોમાં સામાન્ય ઝાપટાં પડે એવી સંભાવના છે.