કાંકણપુરમાં ધિરધારને ગીરવે મુકેલ દાગીના નાણાં લઈ પરત નહિ આપી છેતરપિંડી કરતા ફરિયાદ

ગોધરા, ગોધરાના કાંકણપુર ગામે આવેલા માર્કેટિંગ યાર્ડ સામે આવેલ મહાલક્ષ્મી જવેલર્સ નામની સોના-ચાંદીની દુકાન ધરાવતા વૈભવ ઉર્ફે બંટી જીતુભાઈ સોની પાસે જીતેન્દ્રભાઈ પરમારે સોના-ચાંદીના દાગીના ગીરવે મુકીને માસિક 2.5 ટકા વ્યાજે લેવાનુ શરૂ કર્યુ હતુ. જીતેન્દ્રભાઈને નાણાંની જરૂરિયાત હોવાથી વૈભવ સોનીને ત્યાં દાગીના ગીરવે મુકીને રૂ.50 હજાર માસિક અઢી ટકા વ્યાજે લીધા હતા. જેના બિલની માંગણી કરતા વૈભવ સોનીએ દુકાનના કાર્ડ પર પાછળ એમજે લખીને રજીસ્ટર નંબર અને લીધેલી રકમ લખીને આપતા હતા. છ માસ અગાઉ હિસાબ બાબતે પુછતા વૈભવ સોનીએ વ્યાજ સહિત રૂ.91 હજાર થયા હોવાનુ જણાવ્યુ હતુ. અને જણાવ્યુ હતુ કે, તમારા દાગીના બીજાના લોકરમાં મુકયા છે. તમે પૈસા ચુકતા કરી દો, હું તમારા દાગીના મેળવીને તમને આપી દઈશ. જે બાદ જીતેન્દ્રભાઈએ વ્યાજ સહિત નાણાં ચુકવી દીધા હતા. ગીરવે મુકેલા દાગીના પરત લેવા જીતેન્દ્રભાઈ દુકાને જતા વૈભવ સોનીની દુકાન બંધ હતી. અને વૈભવ સોનીને સતત ફોન કરતા એકપણ ફોન ઉપાડ્યો ન હતો. જે બાદ જીતેન્દ્રભાઈને જાણવા મળ્યુ હતુ કે, વૈભવ ઉર્ફે બંટી નામના ઈસમ દ્વારા તુંબડીયા ગામના રમણભાઈ પરમાર, રતનપુર કાંટડી ગામના પરેશભાઈ પરમાર, પઢીયાર ગામે રહેતા પ્રકાશભાઈ પરમાર, તથા મુકેશભાઈ ચોૈહાણ, અને મોર્યો ગામે રહેતા મિતેશભાઈ સોલંકી નામની વ્યકિતઓએ પણ વૈભવની દુકાને દાગીના ગીરવે મુક્યા બાદ વ્યાજ સહિત મુદ્દલ રકમ ચુકવી તેમ છતાં વૈભવે તમામ દાગીના ન આપતા છેતરપિંડીની ફરિયાદ કાંકણપુર પોલીસ મથકે નોંધાવવા પામી હતી.