કાજલ હિન્દુસ્તાની અને હિન્દુત્વ અને પટેલત્વ અને મુસલમાનત્વ

૧૯૯૮માં દુલ્હેરાજા નામની એક ફિલ્મ આવી હતી. તેમાં સિંઘાનિયા (કાદર ખાન)ની ફાઇવ સ્ટાર હોટલના પ્રીમાઇસમાં એક બિહારી યુવક (ગોવિંદા) ગેરકાયદે રીતે દેશી ઢાબુ ખોલીને બેસી જાય છે. સિંઘાનિયાની ફાઇવ સ્ટાર હોટલના ભોજનના મુકાબલે અડધાથી પણ ઓછી કિંમતે ભોજન વેચી તે સિંઘાનિયાના ધંધાને બંધ કરવા પર ઉતરી આવ્યો છે. પોતાના પીએ બાંકેલાલ (જ્હોની લીવર)ની હાજરીમાં જ્યારે જ્યારે સિંઘાનિયા બિહારી યુવકને કોઈ બાબતે ઠપકો આપે છે કે ધમકી આપે છે ત્યારે બાંકેલાલ એ બિહારી યુવકની તરફેણ કરતી કોઈ દલીલ કરે છે. પોતાના જ પગારદાર માણસ બાંકેલાલને પોતાના હરીફની તરફેણ કરતો જોઈ સિંઘાનિયા ચીઢાઇને એને પૂછે છે, તુ મેરી તરફ હૈ કે ઉસકી તરફ હૈ?

જવાબમાં બાંકેલાલ પોતાનો ચહેરો સિંઘાનિયાની તરફ અને આંગળી પહેલા બિહારી યુવક તરફ રાખીને કહે છે, શેઠજી, મૈં તો આપ હી કી તરફ હું.

છેલ્લા લગભગ એક દાયકાથી હિંદુ હિતની રખેવાળી કરનારા છુટકછવાયા લોકોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. ખરેખર તો હિંદુત્વવાદી સરકારના આગમન બાદ હિન્દુ હિતના રખોપા કરનારાઓનો ધંધો બંધ થવો જોઈએ જોઈતો હતો. પણ ’અધધધ કહેવાય એવી દોઢસો કરોડની વસ્તીમાં એકલી-અટુલી સરકાર કદાચ હિન્દુ હિતનું રક્ષણ કરવામાં કાચી પડે તો બિચારા હિન્દુઓનું શું થશે?’- એવા શુભ વિચારથી હિંદુ હિત રક્ષકો ઠેરઠેર હાટડીઓ માંડીને બેસી ગયા છે. ’૯૦ના દશકમાં એક સૂત્ર ઘણું ગાજ્યું હતું : ’જો હિન્દુ હિત કી બાત કરેગા, વહી દેશ પર રાજ કરેગા.’ હિન્દુ હિતની વાતો કરનારાઓનું રાજ આવી ગયું છે. પણ તેમ છતાંય હિન્દુ હિત રક્ષકોના મત મુજબ કમનસીબે હિંદુ હજુય ખતરો અનુભવી રહ્યો છે.

નરેન્દ્ર મોદી જાણે છે કે આ બોલબચ્ચન હિન્દુ હિત રક્ષકો હિન્દુઓના નામે પોતાનું હિત સાધવાના કામમાં લાગેલા છે ને વિશ્ર્વમાં ભારતની છબી ખરાબ કરે છે. એટલા માટે તેમણે વિશ્ર્વ હિન્દુ પરિષદની દુકાન બંધ કરાવી દીધી છે. એક સમયે ગુજરાતમાં જેની હાક વાગતી હતી તેવા વિશ્ર્વ હિન્દુ પરિષદના સુપ્રીમો પ્રવીણ તોગડિયા ને મોદીએ સાવ અડવાણી-મુરલી મનોહર જોશી કરી નાખ્યા છે; એટલે કે કામકાજ વિનાનાં કરી દીધા છે.

મુસલમાનોની દુકાનેથી કોઈ પણ ચીજવસ્તુ ન ખરીદીને તેમનો આર્થિક બહિષ્કાર કરવાની હાકલ કરનાર દિલ્હીના સાંસદ પ્રવેશ વર્માને આવી રહેલી લોક્સભાની ચૂંટણી ટીકીટ કાપી નાખી નરેન્દ્ર મોદીએ તેમનું રાજકારણ પૂરું કરી દીધું છે. ગાંધીજીના હત્યારા એવા હિંદુ મહાસભાના ગોડસેને પોતાનો નાયક ગણાવનાર ભોપાલના સાંસદ પ્રજ્ઞા ઠાકુરને પણ મોદીએ આ વખતે ટિકિટ વિહોણા રાખ્યા છે. નવી નવેલી સંસદ ઇમારતમાં કોઈ મુદ્દે ચર્ચા કરતી વખતે બહુજન સમાજવાદી પાર્ટીના સાંસદ દાનિશ અલીને ઉગ્રવાદી, આતંકવાદી અને અહીં લખી ન શકાય તેવી ગાળો આપનારા ભાજપના સાંસદ રમેશ બિધૂડીના નામ પર પણ મોદીએ આ વખતે ચોકડી મારી અન્ય ઉમેદવારને ટિકિટ આપી છે. ભારતીય જનતા પાર્ટીના તત્કાલીન પ્રવક્તા નુપુર શર્મા તથા દિલ્હી ભાજપ મીડિયાના તત્કાલીન વડા નવીન જિંદાલે ૨૦૨૨૨માં મહંમદ પયગંબર વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી. ખાડી દેશોએ આ નિવેદનો સામે સખત વાંધો ઉઠાવી ભારતીય માલસામાનનો બહિષ્કાર કરવાની ધમકી આપતા ભાજપે નુપુર શર્માને સસ્પેન્ડ કર્યા હતા અને નવીન જિંદાલને પક્ષમાંથી દરવાજો બતાવી દેવામાં આવ્યો હતો. મોદી સરકારે આ અંગે આપેલા નિવેદનમાં કહ્યું હતું કે મહંમદ પયગંબર અંગેની ટિપ્પણી એ મોદી સરકારે કરેલી ટીપ્પણી નથી પણ કેટલાક ફ્રીન્જ એલિમેન્ટ્સ (કટ્ટરવાદી તત્વો) તરફથી તે કરવામાં આવી છે.