
મુંબઇ, આ દિવસોમાં અક્ષય કુમાર તેની આગામી ફિલ્મ ’બડે મિયાં છોટે મિયાં’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ ઈદના અવસર પર એટલે કે ૧૦મી એપ્રિલે મોટા પડદા પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં અક્ષયની સાથે ટાઈગર શ્રોફ પણ મહત્વના રોલમાં જોવા મળશે. એવામાં હવે અક્ષય કુમાર તેના એક નિવેદનને કારણે લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યા છે સાથે જ એમને ભારત સરકારને ખાસ અપીલ પણ કરી હતી.
એક વાતચીત દરમિયાન અક્ષય કુમારે કહ્યું કે, ’ આપણે નાનપણથી ફિલ્મો જોતા આવ્યા છીએ અને આ વાત આપણા મનમાં ઘર કરી ગઈ છે કે જો કોઈ આતંકવાદી હુમલો કરશે તો અમેરિકા આપણને બચાવશે. કારણ કે આપણે હંમેશા હોલીવુડની ફિલ્મો જોઈ છે. એલિયન્સ આવશે તો કોણ બચાવશે? અમેરિકા બચાવશે. જો કોઈ પણ જગ્યાએથી હુમલો થાય છે, તો અમેરિકા દરેક માટે ઉકેલ છે. હું આ વસ્તુ બદલવા માંગુ છું.’આગળ અક્ષય કુમારે કહ્યું કે, ’હવે હું એવું જોવા અને કરવા માંગુ છું કે જો કંઈ થશે તો ભારત બચાવશે. સરકારને મારી વિનંતી છે કે અમને એક તક આપો, આપણી પાસે જે પણ એરફોર્સ અને આર્મી છે, તેમાંથી આપણને ઘણું બધું મળે છે. અમે એ પણ બતાવવા માંગીએ છીએ કે જીવનમાં ગમે તે થાય, ભારત આપણને બચાવશે.
અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ ટૂંક સમયમાં એક્સાથે પડદા પર જોવા મળશે અને આ ફિલ્મમાં ઓછા VFXનો ઉપયોગ કર્યો છે. આ બંને એક્ટર્સ જાતે જ સ્ટંટ કરે છે. અભિનેતાએ કહ્યું કે એમને જોર્ડન, ગ્લાસગો, સ્કોટલેન્ડ, અબુ ધાબી જેવા સ્થળોએ શૂટિંગ કર્યું છે.