- નીલેશ પટેલને અમેરિકા મોકલવાની લાલચ આપી એજન્ટે રુપિયા ૨૮ લાખ પડાવ્યા.
- રૂપિયા પરત માગતા પરિવારજનોને ધમકી પણ આપતા હતા.
કડી,
મહેસાણાના કડીમાં કબૂતરબાજીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અમેરિકા મોકલાવી લાલચ આપી એજન્ટોએ એક પરિવાર પાસેથી ૨૮ લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ નોંધાઇ છે. એજન્ટ કેતુલપુરી ગોસ્વામી અને કલ્પેશ વ્યાસ સામે પોલીસ ફરિયાદ નોઁધી તપાસ શરૂ કરી છે. બનાવની વાત કરીએ તો કડીના નીલેશ પટેલ નામના યુવક સાથે એજન્ટોએ અમેરિકા મોકલવા માટે ૫૦ લાખ રૂપિયામાં ડીલ કરી હતી. જે મુજબ યુવકને અમેરિકાની ટિકિટ બતાવી ૨૮ લાખ રૂપિયા લીધા હતા અને ત્યારબાદ યુવકને અમેરિકાના બદલે યુગાન્ડા લઇ ગયા હતા. યુવક અને પરિવારની વારંવાર આજીજી છતાં અમેરિકા લઇ ગયા નહોતા. એટલું જ નહીં રૂપિયા પરત માગતા પરિવારજનોને ધમકી પણ આપતા હતા.
મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ જ ગુજરાતમાં કબૂતરબાજીના નેટવર્કનો ૪૭ વર્ષીય માસ્ટરમાઈન્ડ ભરત ઉર્ફે બોબી પટેલ ઝડપાઈ ગયો હતો. રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ સમગ્ર કેસની તપાસ સ્ટેટ મોનિટરીંગ સેલને સોંપાઈ હતી. આરોપી અમેરિકા જેવા દેશમાં ગેરકાયદે ઘૂસણખોરી કરાવવાનું ઈન્ટરનેશનલ નેટવર્ક ચલાવતો હતો.. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તેની સામે ગુજરાત ઉપરાંત કોલકાતા, મુંબઈ અને દિલ્લીમાં પણ ગુના નોંધાયા હતા. તેણે ગુજરાતમાં ૧૫૦૦ જેટલા લોકોને નકલી પાસપોર્ટ મેળવવામાં મદદ કરી હતી. તે અત્યાર સુધી ૨૦૦થી વધુ લોકોને ગેરકાયદે વિદેશ મોકલી ચૂક્યો છે.
બોબી પટેલ વ્હોટ્સએપમાં ‘ગો ગોન અમેરિકા’ નામથી કબૂતરબાજોનું ગ્રૂપ ચલાવતો હતો. ધરપકડથી બચવા કબૂતરબાજો VOIP મારફતે એકબીજાને ફોન કરતા હતા. ડિંગુચાના પટેલ પરિવાર અને તે પહેલા નદીમાં ડૂબી ગયેલા ૬ લોકોને પણ બોબીએ જ મોકલ્યા હતા. તે ઉત્તર ગુજરાતમાં થયેલા IELTSના પેપર કૌભાંડ અને દરિયાપુરમાં મનપસંદ ક્લબ જુગારધામ કેસમાં પણ વોન્ટેડ હતો. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ તેને જુગારધામના કેસમાં પકડી લાવી હતી. ત્યારબાદ તપાસ કરતા સામે આવ્યું કે આ એ જ ભરત પટેલ છે જે કબૂતરબાજીમાં પણ વોન્ટેડ છે.
તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય કબૂતરબાજીના મુખ્ય સૂત્રધાર ભરત ઉર્ફે બોબી પટેલની ધરપકડ બાદ પોતાની પાસે તપાસ ન હોવા છતાં એક ઉચ્ચ આઇપીએસના ખાસ ગણાતા સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઇ જવાહર દહિયા સોલા પોલીસ સ્ટેશને બોબીને મળવા પહોંચ્યા હતા. તેમણે બે કલાક સુધી બોબી પટેલ સાથે ખાનગીમાં વાતચીત કરી હતી. મળતી માહિતી મુજબ કબૂતરબાજીના પ્રકરણમાં દહિયાએ મુન્ના મારફતે ભરત પાસેથી ૩૦ કરોડનો તોડ કર્યો હતો. ઘટનાની ગંભીરતાને લઈ એસએમસીના એસપી નિલપ્ત રાયે તાત્કાલિક અસરથી દહિયાને સસ્પેન્ડ કર્યા છે.