કડી,\ વિકાસની પાંખે ઉડતા ગુજરાતમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યો પ્રગતિમાં છે. નાગરિકોની સુવિધાને યાને લઈને સરકાર પણ ઉદાર હાથે વિકાસની ગ્રાન્ટ ફાળવી કામો પર મંજૂરીની મહોર લગાવી રહી છે. પરંતુ અમુક મેલીમુરાદ વાળા કોન્ટ્રાક્ટરોના પાપે આવી સુવિધાઓ ક્ષણભાંગી સાબિત થઈ રહી છે. કંઈક આવો જ કિસ્સો મહેસાણા પંથકમાં સામે આવ્યો છે. કારણ કે નવો બનેલો રોડ એક માસમાં તૂટી જાય તે તો સાંભળ્યું હશે. પરંતુ ફક્ત ચાર જ દિવસમાં રોડ તૂટી જાય તેવું પ્રથમ વાર બન્યું છે તે પણ મહેસાણા જિલ્લામાં. વિકાસમાં જેની ગણના અગ્રેસર થાય છે તે કડીમાં એક કિસ્સો પ્રકાશમાં આવતા તંત્ર દોડતું થયું છે.
કડી ના કરણનગર વિસ્તારમાં રોડની જરૂરિયાત હોવાથી સ્થાનિકો દ્વારા વારંવાર રોડની માંગણી કરવામાં આવી હતી. જેથી રોડ મંજૂર પણ થઈ ગયો અને બની પણ ગયો. પરંતુ સ્થાનિકો લની મુશ્કેલી રોડ બનવાના કારણે હલ થવાના બદલે વધી ગઈ છે. કોન્ટ્રાકટ દ્વારા રોડના કામમાં લોટ, પાણીને લાકડા કરવામાં આવતા ચાર દિવસ અગાઉ બનેલો રોડ તૂટી ગયો છે.આ ઉપરાંત રોડના લેવલીંગનું કામ પણ વ્યવસ્થિત નહિ થતાં સ્થાનિકોને ભવિષ્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. વાહનચાલકો અને શાળામાં અભ્યાસ માટે બાળકોને પણ મુશ્કેલી પડી રહી છે.
૪ દિવસમાં રોડ તૂટી જતાં સ્થાનિકો માં આક્રોશ જોવા મળી રહ્યો છે અને કોન્ટ્રાકટર દ્વારા નબળી ગુણવતાનો રોડ બનાવી દિધો હોવાથી ફરી રોડ બનાવવાની માંગણી કરી રહ્યા છે. લોકો દ્વારા નગરપાલિકામાં રજૂઆત કરી હતી જેથી નગરપાલિકા દ્વારા બે દિવસમાં રોડનું સમારકામ કરી દેવાની ખાતરી આપવામાં આવી છે. હવે જોવાનું રહ્યું ક્યારે નગરપાલિકા જાગશે અને ક્યારે ચાર દિવસ અગાઉ બનેલા રોડ નું સમારકામ કરશે.