કડાણા તાલુકાના ઢીંગલવાડા ગામે શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો

મહીસાગર,મહીસાગર જીલ્લાના કડાણા તાલુકાના ઢીંગલવાડા ગામે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભ મળવાપાત્ર તમામ લાભાર્થીઓ સુધી પહોંચે અને જરૂરિયાતમંદ તમામ લાભાર્થીઓને તેમના ઘરઆંગણે લાભાન્વિત કરી શકાય એવા તેવા શુભ આશયથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ થયો છે.

આ પ્રસંગે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો મુખ્ય ઉદે્શ છે કે, છેવાડાના લોકોને કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ યોજનાઓનો લાભ અપાવી સો ટકા સિધ્ધિ હાંસલ કરવાની છે. પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ યોજના જેના થકી રૂા.10 લાખ સુધીની સારવાર નિ:શુલ્ક મેળવી શકે છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાથી ગરીબોને નિ:શુલ્ક અનાજ આપવામાં આવે છે. પ્રધાનમંત્રી ઉજજવલા યોજના થકી મહિલાઓને ધુમાડામુક્ત કરી અનેક બીમારીઓથી બચાવી છે. યાત્રા દરમિયાન જીલ્લામાં ખૂબ જ લાભદાયી એવી સરકારની 17 જેટલી યોજનાઓને આવરી લેવામાં આવી છે.

આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે અલગ અલગ યોજનાઓના લાભાર્થીઓને કિટ અને કાર્ડ વિતરણ કરાયું હતું. કાર્યક્રમના અંતે નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત સ્થાનિકો માટે એક ડ્રોનના ડેમોનું પણ આયોજન કરાયું હતું. ગુજરાતની ગૌરવવંતી વિકાસગાથા તથા સર્વાંગી વિકાસ માટેના ભાવિ આયોજન અને યોજનાઓ અંગે આધુનિક રથના માધ્યમથી શોર્ટ ફિલ્મ નિહાળી હતી. ફિલ્મ નિહાળ્યા બાદ સૌ ગ્રામજનોએ ભારતને વિકસિત અને આત્મનિર્ભર બનાવવાની સામુહિક પ્રતિજ્ઞા લીધી હતી.

આ પ્રસંગે કડાણા તાલુકા પંચાયતના પ્રમુખ મંગુબેન, કડાણા તાલુકા વિકાસ અધિકારી, ગામના સરપંચ , રથના ઇન્ચાર્જ, પદાધિકારીઓ/અધિકારીઓ, ગામ આગેવાનો, આંગણવાડી કાર્યકર બહેનો, આરોગ્ય વિભાગની ટીમ સહિત ગામજનો મોટી સંખ્યામા હાજર રહ્યા હતા.