દિવડાકોલોની, ઓનલાઈન છેતરપિંડી કરતી ગેંગ હવે ગ્રામ્ય વિસ્તારોમાં સક્રિય થઈ હોવાનુ જોવા મળ્યુ હતુ. ગામડાઓમાં આદિવાસીઓની ભોળી પ્રજા સરળતાથી ભોરવાઈ જતાં ગ્રામ્ય વિસ્તારોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. કડાણા તાલુકામાં આંગણવાડીના લાભાર્થીઓને મોબાઈલ કોલ કરી આઈ.સી.ડી.એસ.શાખાના કર્મચારીઓની ઓળખ આપી સગર્ભા બહેનોને ઓનલાઈન સહાય મળતી હોવાનુ કહી ગુગલ પે ઉપર રિકવેસ્ટ મોકલી તેમના એકાઉન્ટમમાંથી રૂપિયા ખંખેરવામાં સાઈબર ગઠિયાઓ સફળ થયા હતા. તાલુકામાં પાછલા 10 દિવસમાં ગઠિયાઓ દ્વારા લાભાર્થીઓને કોલ કરવામાં આવી રહ્યા છે. જેમાં તાલુકામાં માલવણ અને નાના રાજનપુર ગામની સગર્ભા બહેનો ભોળવાઈ જતા શિકાર બની હતી. ગઠિયાઓ દ્વારા આઈસીડીએસ શાખામાં અપાતી સગર્ભા બહેનોની ગુપ્ત માહિતી મેળવી તેમના આધારકાર્ડ, બેંક ડિટેઈલ, અને પ્રેગ્નેન્સી અંગેની તમામ માહિતી મેળવી લાભાર્થીઓને સંપુર્ણ વિશ્ર્વામાં લેવામાં આવી ત્યારબાદ તેમના મોબાઈલ ઉપર રિકવેસ્ટ મોકલી નાણાં ખંખેરવામાં આવે છે. માલવણ ગામના લાભાર્થીઓએ જણાવ્યુ હતુ કે,ગાંધીનગર આઈસીડીએસ શાખામાંથી બોલુ છુ તેમ કહીને ઓનલાઈન સહાય આપવાનુ કહેતા લાભાર્થીએ ગુગલ પે નંબર આપ્યો હતો. ગઠિયા દ્વારા ગુગલ પે એપ્લિકેશન ખોલવાનુ કહી રિકવેસ્ટ મોકલી હતી. રિકવેસ્ટ કરતા જ લાભાર્થીના ખાતામાંથી રૂપિયા ઉપડી ગયા હતા. નાના રાજનપુર ગામની સગર્ભા બહેનના કિસ્સામાં પણ આ જ રીતે ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવી હતી. ત્યારે ઓનલાઈન છેતરપિંડી કરતા ગઠિયાઓ પાસે આઈસીડીએસના લાભાર્થી સગર્ભા બહેનોના આધારકાર્ડ, બેંક ડિટેઈલ, અને પ્રેગ્નેન્સી અંગેની માહિતી હોવાનુ જોવા મળ્યુ હતુ. આઈસીડીએસ શાખામાં આપવામાં આવતી માહિતીઓ ચિટરો પાસે કઈ રીતે પહોંચી તે બાબતે તપાસ થાય તે જરૂરી બન્યુ છે.