મલેકપુર, મહિસાગરના કડાણાના અમથાણીથી ડીટવાસ રોડ પર ગંભીર અકસ્માત થાય તેવા ખાડા પુરવાની કે કપચી પાથરવાની માંગણી ઉઠવા પામી છે.
અમથાણીની જોગણ, બચકરીયા, ડીટવાસ ગામ સુધીનો 12 કિ.મી.જેટલો રસ્તો છેલ્લા ધણા સમયથી અતિ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. જેના કારણે દરરોજ હજારો વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રસ્તા પર ખાડાઓ પડી ગયા હોવાથી અનેકવાર નાના-મોટા અકસ્માતોના બનાવો બની રહ્યા છે. છતાં જવાબદાર અધિકારીઓના પેટનુ પાણી હાલતુ નથી. હજારો વાહન ચાલકો અને આ રસ્તા પર આવતા-જતા ગામના લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ રસ્તા પર 10 જેટલી લુણાવાડા એસ.ટી.બસના રૂટ હોવાને લઈ એસ.ટી.બસોને પણ ભારે નુકસાન પહોંચી રહ્યુ છે. અનેકવાર રજુઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી કરાતી નથી. જેથી તંત્ર દ્વારા વહેલી તકે આ રસ્તા પર ડામર પેચવર્ક કરી રોડને રિપેર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.