કડાણાની વડાંઝાપા ગ્રામ પંચાયતમાં સરપંચ દ્વારા ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ સાથે રજુઆત

દિવડાકોલોની, મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાની વડાઝાપા ગ્રામ પંચાયતના સરપંચ્ દ્વારા ભ્રષ્ટાચાર કર્યાના આક્ષેપ સાથે પણ પંચાયતના સભ્યો દ્વારા તાલુકા અને જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરવામાં આવી હતી. કડાણા તાલુકામાં આવેલી ગ્રામ પંચાયતના સરપંચના પતિના વહીવટ અને સરપંચો દ્વારા સરકારી કામોમાં ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યાની અનેક રજુઆતો અવાર નવાર સામે આવી રહી છે.

કડાણા તાલુકામાં માલવણ અને ત્યારબાદ વડાઝાપા ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ ચુંટાઈ આવ્યા હતા પરંતુ આ પંચાયતોમાં તમામ વહીવટ સરપંચના પતિ કરી રહ્યા હોવાની બુમો ઉઠી છે. તાજેતરમાં કડાણા તાલુકાની વડાઝાપા ગ્રામ પંચાયતમાં સભ્યો દ્વારા પંચાયતનો તમામ વહીવટ સરપંચના પતિ દ્વારા કરવામાં આવી રહ્યો છે. જેમાં સરકારી નાણાંનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે. પતિ દ્વારા પોતાની મનમાની ચલાવી પોતાના માનિતાઓને લાભ આપવામાં આવી રહ્યો છે. જેમાં ટકાવારી લઈ કામ આપવામાં આવે છે. હાલના બનેલ સીસી રસ્તામાં નબળી અને હલકીકક્ષાનુ કામ કરવામાં આવેલ છે. સરપંચ પોતે પોતાના ધરની બાજુમાં ચેકડેમ બનાવી નાણાં ઉપાડી લીધેલા છે. પંચાયતમાં નલ સે જલ યોજનાનુ પાણી મળેલ નથી. વડાઝાપા ગ્રામ પંચાયતમાં સરપંચના પતિની મનમાની ચાલે છે. લાભાર્થીઓને સરકારી યોજનાઓથી વંચિત રાખવામાં આવે છે. જે અંગે યોગ્ય તપાસ કરી સરપંચ અને તેમના પતિ વિરુદ્ધ કરવામાં આવેલા કામોનુ જીણવટ પુર્વક તપાસ કરે તો આ પંચાયતના મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે.