કડાણા, કડાણા નજીક ધોડિયાર ગામના ખેડુત માછી શંકરભાઈ હિરાભાઈના પત્નિ માછી વાલીબેન માછી(ઉ.વ.55)ધોડીયાર ગામે રહી ખેતી અને પશુપાલન કરે છે. જયારે તેમના પતિ અને પુત્ર ધંધા અર્થે બહાર ગામ રહે છે. જાણવા મળ્યા મુજબ વાલીબેન પોતાના ખેતરમાં તૈયાર થયેલ ડાંગરના પાકની કાપણી માટે દિવડાકોલોની નજીકથી ડાંગર વાઢવાનુ હેન્ડ કટર મશીન ભાડેથી લાવેલ હતા. ખેતરમાં ડાંગર વાઢતા સમયે ચાલુ કટર મશીનમાં ભરાઈ ગયેલ ધાસ કાઢવા જતા અચાનક વાલીબેનના માથાના વાળ કટર મશીનમાં આવી ગયા હતા. જેમાં તેમનુ માથું પણ મશીનમાં ખેંચાઈ ગયુ હતુ. જેને લઈ તેમને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવની જાણ થતાં આસપાસના રહિશો ધટના સ્થળે દોડી આવ્યા હતા. વાલીબેનની ગંભીર ઈજાઓને લઈને તેમને ખાનગી વાહન મારફતે સારવાર માટે કડાણા રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં ફરજ પરના તબીબે વાલીબેનને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતાં પરિવારજનોએ ભારે રોકકળ કરી મુકતા ગમગીની છવાઈ હતી. આ અંગે હજુ કોઈપણ જાતની પોલીસ ફરિયાદ નોંધાવવા પામેલ ન હતી.