કડાણા,કડાણા તાલુકાની દેદાવાડા પ્રાથમિક શાળામાં વિધાર્થીઓ પરીક્ષામાં આવતા નથી. શિક્ષકનુ કહેવુ છે કે,બાળકો વાલીઓ સાથે બહારગામ મજુરી અર્થે ગયા છે. ધો-3થી 5ની પરીક્ષામાં માત્ર 10 બાળકો હાજર રહ્યા હતા.
દેદાવાઠા પ્રા.શાળામાં માત્ર એક ચિત્રકામના શિક્ષક છે જે 37 બાળકોને એક કલાસમાં બેસાડીને ભણાવે છે. હાલ શાળામાં ધો-3થી 5ના વિધાર્થીઓની પરીક્ષા ચાલે છે. ત્યારે પરીક્ષા દરમિયાન 40 ટકા બાળકો ગેરહાજર જોવા મળ્યા હતા. શાળામાં પરીક્ષા દરમિયાન અન્ય ગંભીર બાબતો સામે આવી હતી. પરીક્ષા સમયે બાળકો હાથમાં સાવરણી લઈ શાળામાં સફાઈ કરી રહ્યા હતા. માત્ર 10 બાળકો પરીક્ષામાં હાજર હતા. બીજા બાળકો રમવામાં હતા. શાળામાં મુખ્ય રસ્તાથી અડધો કિ.મી.દુર ડુંગરના પાછલા ભાગમાં આવેલ છે જયાં પહોંચવા એક પગદંડી રસ્તા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. જેને કારણે શાળામાં વિધાર્થીઓની સંખ્યા પાંખી જોવા મળે છે. ગ્રામજનોનુ કહેવુ છે કે, અહિંયા રસ્તાની સુવિધા પુરી કરવામાં આવે ત્યારે કડાણા તાલુકામાં આદિવાસી વિસ્તારમાં આવેલ સરકારી શાળાઓમાં સરકારના ગુણવત્તાસભર શિક્ષણના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે નબળા શિક્ષણને લઈ પ્રશ્ર્નો ઉભા થયા છે. શાળામાં સુવિધાઓ અને શિક્ષકોના અભાવને લઈ બાળકોનો અભ્યાસ અંધકારમય બની રહ્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.