- સુજલામ-સુફલામ યોજનામાં જમીન જતા વળતરના દાવા માટે વકીલ રોકેલ હતા.
- કોર્ટ દ્વારા જમીન વળતર ચુકવવાના આદેશ કરાતાં ખેડુતો પાસેથી વકીલો એ ૩૫ થી ૪૫ ટકા લેખે વસુલાત કરતાં પોલીસ ફરિયાદની માંગ.
ગોધરા,
ગુજરાત સરકાર દ્વારા કડાણા ડેમ મહી નદી માંથી ઉત્તર ગુજરાત અમદાવાદ સુધીના ખેડુતોને સિંચાઈનું પાણી મળે તેમજ કેટલાક ગામોમા પીવાના પાણીનો સ્ત્રોત મળી રહે તેવા હેતુસર સુજલામ-સુફલામ યોજના અંતર્ગત નહેર માટે કડાણા તાલુકા અને ખાનપુર તાલુકાના ખેડુતોની જમીન લેવામાં આવી હતી. આ મહામૂલી ઉપજાવ જમીનનું વળતર જે તે સમયે ઓછું વળતર ચુકવવામાં આવ્યું હતું. આ ઉપજાવ જમીનના વળતર માટે કોર્ટમાં દાવો દાખલ કરવા માટે લુણાવાડાના-૧ અને ગોધરાના-૧ અમે બે વકીલો રોકયા હતા. કોર્ટમાં જમીન વળતરનો દાવો મંજુર રાખી વળતર ચુકવવાનો હુકમ કર્યો હતો. જમીન વળતરના નાણા બેંકમાં જમા થતાં વકીલો દ્વારા ખેડુતો પાસેથી ૩૫ થી ૪૫ ટકા જેટલું ફી બારોબાર વસુલાત કરી છેતરપિંડી કર્યાના આક્ષેપ સાથે ખેડુતો એ સોગંધનામું કરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવા રજુઆત કરવામાં આવી.
કડાણા ડેમ મહી નદી માંથી ઉત્તર ગુજરાત અમદાવાદ સુધીના ખેડુતોને સિંચાઈનું પાણી મળે તેમજ કેટલાક ગામોમાં પીવાના પાણીનો સ્ત્રોત મળી રહે તેવા હેતુસર ૨૦ વર્ષ પહેલા સુજલામ-સુફલામ યોજના અંતર્ગત અમલમાં મુકવામાં આવી હતી. આ યોજનામાં કડાણા તાલુકા અને ખાનપુર તાલુકાના ખેડુતો એ ઉપજાવ અને મહામૂલી જમીન સરકાર દ્વારા લેવામાં આવી હતી. આ જમીનનું વળતર જે તે સમયે સરકાર દ્વારા ઓછું ચુકવવામાં આવ્યું હોય જેને લઈ કડાણા અને ખાનપુર તાલુકા ૨૩ જેટલા ખેડુતો એ કોર્ટમાં જમીન વળતરનો દાવો કરવા માટે લુણાવાડા અને ગોધરાના બે વકીલ રોકવામાં આવ્યા હતા. કોર્ટે જમીન વળતરનો દાવો ચાલી જતાં કોર્ટ દ્વારા જમીનનું વળતર ચુકવવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જમીન વળતરનો દાવો મંજુર રાખીને વળતર ચુકવવાનો હુકમ કરવામાં આવતાં ખેડુતો દ્વારા રોકવામાં આવેલ ખેડુતોના વકીલો દ્વારા ખેડુતોના ખાતાઓ એકસીસ બેંક અને યુનિયન બેંકમાં ખોલાવામાં આવ્યા હતા. ખેડુતોના વકીલો દ્વારા બેંક સાથે મેળાપીપણું કરીને ખેડુતોના બેંક ખાતાઓની ચેક બુક મેળવી લીધી હતી અને વળતરનો દાવો જીતનાર ખેડુતોને ઓફિસમાં બોલાવીને કોરા ચેક ઉપર સહી કરાવી લીધી હતી અને બેંકમાં જમા થયેલ જમીન વળતર નાણાં માંથી ૩૫ ટકા થી ૪૫ ટકા સુધી જેટલી ઉંચી ફી બેંક માંથી ઉપાડી લઈને વસુલવામાં આવ્યા હતા. જમીન વળતરનો દાવો કોર્ટમાં દાખલ કરનાર કડાણા અને ખાનપુર તાલુકાના ખેડુતો સાથે લુણાવાડાના વકીલ તેમજ ગોધરાના વકીલ દ્વારા ૩૫ ટકા થી ૪૫ ટકા જેટલી ફી વસુલાત બારોબાર બેંક ખાતા માંથી કરી લેવામાં આવી હોય જેને લઈ વકીલો દ્વારા છેતરપિંડીનો ભોગ બનેલ ખેડુતો દ્વારા સોગંધનામું કરીને બન્ને વકીલો દ્વારા કરવામાં આવેલ છેતરપિંડી માટે પોલીસ ફરિયાદ નોંધાવામાં આવે તેવી રજુઆત સાથે કડાણા પોલીસ મથકમાં છેતરપિંડીના ભોગ બનેલ ખેડુતો દ્વારા સોગંધનામું આપવામાં આવ્યું. પોલીસે ખેડુતોના સોગંંધનામાના આધારે તપાસ શરૂ કરી છે.
કડાણા અને ખાનપુર તાલુકાના ૨૩ ખેડુતોના બેંક ખાતાની ચેકબુક વકીલો એ મેળવી….
કડાણા અને ખાનપુર તાલુકાના જમીન વળતરનો દાવો કરવા માટે ગોધરા અને લુણાવાડાના વકીલને રોકવામાં આવ્યા હતા. નામદાર કોર્ટ દ્વારા વળતરનો દાવો કરનાર ખેડુતોના દાવાને ગ્રાહ્ય રાખીને વળતર ચુકવવાનો આદેશ કરવામાં આવ્યો હતો. વળતરના નાણાં માટે એકસીસ બેંક અને યુનિયન બેંકમાં વકીલો દ્વારા ખેડુતોના ખાતા ખોલવામાં આવ્યા હતા. દાવાના વળતરના નાણાં માટે બેંકમાં ખાતુ ખોલાવનાર ખેડુતો અજાણ હોવા છતાં ખેડુતોના વકીલો દ્વારા ખેડુત બેંક ખાતેદારના નામ ચેકબુક મેળવી હતી અને બારોબાર ખેડુતોના ખાતામાંથી ૩૫ થી ૪૫ ટકા ફી વસુલાત કરી હોવાનો આક્ષેપ ખેડુતો એ સોગંધનામામાં કર્યો છે.
બેંકના નિયમો પ્રમાણે અજાણ વ્યકિતને ચેકબુક ફળવાતી નથી…..
લુણાવાડા એકસીસ બેંક અને યુનિયન બેંકમાં ખાતા ખોલાવનાર ખેડુતો અજાણ હોય ત્યારે બેંકના નિયમો પ્રમાણે ચેકબુક ઈશ્યુ કરવામાં આવતી નથી. તેમ છતાં લુણાવાડા ખાતે આવેલ બન્ને બેંકો દ્વારા ખેડુત બેંક ખાતેદારોના નામની ચેકબુકો વકીલો કાઢી આપી હતી. જ્યારે બેંકમાં ખાતુ ધરાવતો ખાતેદાર ખેડુત અજાણ હોય તેમ છતાં ચેકબુક ઈશ્યુ કરાઈ છે. તેની પણ તપાસ થવી જરૂરી છે.