કબૂતરબાજીના કેસમાં ફરાર આરોપી નવી મુંબઈની હોટેલમાંથી દોઢ કિલોગ્રામ સોના સાથે ઝડપાયો

નવીદિલ્હી, ખોટા પાસપોર્ટ અને દસ્તાવેજોને આધારે વિદેશ મોકલવાના કૌભાંડમાં સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ એક ફરાર આરોપીની નવી મુંબઈની એક હોટેલમાંથી ધરપકડ કરી છે. અગાઉ પોલીસે આ કેસમાં સાત આરોપીની ધરપકડ કરી હતી.

પોલીસને માહિતી મળી હતી કે ફરાર આરોપી પ્રિયાંશુ જ્ઞાનપ્રસાદ મહેતા નવી મુંબઈના તૂર્ભે વિસ્તારમાં આવેલી યોગી હોટેલમાં રોકાયેલો છે. જેને આધારે પોલીસે અહીં પહોંચીને તેની ધરપકડ કરી હતી. પ્રિયાંશુ મુંબઈના ગોરેગાંવનો રહેવાસી છે અને છેલ્લા એક વર્ષથી સીઆરપીસી ૭૦ હેઠળ તેની સામે વોરંટ ઈશ્યુ થયેલું હતું. તેની પાસેથી પોલીસે રૂ.૯૩,૦૦,૦૦૦ ની કિંમતનું દોઢ કિલોગ્રામ સોનુ, ૧૫,૦૦૦ રૂપિયા રોકડા, પાંચ મોબાઈલ તથા કેટલાક દસ્તાવેજો કબજે કર્યા હતા.કોર્ટે તેને ૧૦ જાન્યુઆરી સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ આપ્યા છે. અત્યાર સુધીમાં આ કેસમાં પોલીસ કુલ ૭ આરોપીની ધરપકડ કરી ચુકી છે. જેમાંથી પાંચ શખ્સો સામે કોર્ટમાં ચાર્જશીટ પણ ફાઈલ કરવામાં આવી છે. જ્યારે ધરપકડ કરાયેલા તમામ આરોપીઓ હાલ જ્યુડિશીયંલ કસ્ટડીમાં છે.

આ કેસમાં મુખ્ય આરોપી ભરત ઉર્ફે બોબી રામભાઈ પટેલ સાથે મળીને આરોપીઓએ ગેરકાયદે અમેરિકા જતા માણસોના બનાવટી અને ખોટા પાસપોર્ટ મુંબઈમાં બનાવ્યા હતા. બાદમાં દિલ્હી અને મુંબઈના એજન્ટો મારફતે યુરોપના વિઝા મેળવી આપવાની લાલચ આપતા હતા. ઉપરાંત ગ્રાહકોને અમદાવાદથી દિલ્હી અને દિલ્હીથી યુરોપના કોઈપણ દેશમાં અને ત્યાંથી મેક્સિકો થઈને ગેરકાયદે અમેરિકા મોકલનારો આરોપી પ્રિયાંશુ આ કેસમાં વોન્ટેડ હતો. ધરપકડથી બચવા આરોપી પ્રિયાંશુ જુદી જુદી હોટેલોમાં રોકાતો હતો, એમપોલીસે જણાવ્યું હતું. પોલીસ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે.