કૂતરા બાબતે પાડોશીઓ વચ્ચે પથ્થરમારો, VIDEO : સુરતના લિંબાયત વિસ્તારમાં મહિલાઓ વચ્ચે બોલાચાલી થયા બાદ પુરુષો પણ કૂદી પડ્યા, પોલીસે રાયોટિંગનો ગુનો નોંધ્યો

સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા મારુતિનગરમાં કૂતરા બાબતે પાડોશીઓ વચ્ચે બોલાચાલી બાદ પથ્થરમારાની ઘટના બની હતી. એક પરિવારે કૂતરાઓ રાખ્યા હોય અને તે લોકોને કરડતા હોવાથી સ્થાનિકોએ આ બાબતે રજૂઆત કરી હતી. આ સમયે બોલાચાલી ઉગ્ર બની હતી. સ્થાનિક લોકોએ નજીકમાં પડેલી ઈંટો અને પથ્થરો ઉપાડીને અન્ય પરિવારના ઘર પર ઘા કર્યા હતા. પોલીસે આ મામલે રાયોટિંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના લિંબાયત મારુતિનગર વિસ્તારમાં એક પરિવારમાં ત્રણ મહિલા રહેતી હોવાનું જાણવા મળ્યું છે. તેમના દ્વારા કેટલાક શ્વાન પાળવામાં આવ્યા છે. આ શ્વાન સોસાયટીમાં રહેતા લોકોને પણ કરડી ખાતા હોવાની ઘટનાઓ બનતી હોય છે. એને લઇને સ્થાનિક લોકોનો ગુસ્સો વધી ગયો હતો. બે દિવસ પહેલાં ફરી એક વખત કૂતરાને લઈને પાડોશી સાથે ઝઘડો થયો હતો. ત્યાર બાદ આસપાસના લોકો પણ ઉગ્ર રીતે મહિલાઓ સમક્ષ રજૂઆત કરતા દેખાયા હતા. ત્યાર બાદ સ્થાનિક લોકોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. ઈંટોનો ઢગલો હોવાથી એક બાદ એક ઊંચકીને લોકોએ કૂતરા પાળનાર પરિવારના ઘર ઉપર ફેંકવાની શરૂ કરી દીધી હતી.

વાઈરલ થયેલા વીડિયોમાંથી પોલીસે ઈંટો મારનારા લોકોની ઓળખ મેળવી લીધી છે અને 6 આરોપીઓને ઝડપી પણ પાડ્યા છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ શ્વાનો સોસાયટીમાં લોકોને કરડી રહ્યા છે અને એના કારણે અનેક વખત ફરિયાદ પણ કરવામાં આવી છે છતાં પણ આ પરિવાર એને ગંભીરતાથી લેતો નહોતો.