કાબૂલ યુનિવર્સિટીમાં સૌથી મોટો આતંકી હુમલો, 10 વિદ્યાર્થીઓ સહિત 25 લોકોના થયા મોત

અફઘાનિસ્તાનમાં કાબુલ યુનિવર્સિટીમાં સોમવારે મોટો આતંકવાદી હુમલો થયો છે. જેમાં ઓછામાં ઓછા 25 લોકોનાં મોત થયા છે. જેમાં 10 વિદ્યાર્થીઓ પણ સામેલ છે. આ હુમલામાં 40થી વધુ લોકો ઘાયલ થયા છે.

સુરક્ષાદળોએ આતંકવાદીઓને ઘેરી લેતા બંને વચ્ચે અથડામણ થઇ છે. સમગ્ર કેમ્પસને ઘેરી લઇને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને દિવાલ કૂદાવીને કેમ્પસની બહાર કાઢવામાં આવ્યા હતા. કાબુલ યુનિવર્સિટીની પાસે ગોળીબાર ત્યારે થયો કે જ્યારે અફઘાન અને ઇરાની અધિકારી યુનિવર્સિટિમાં એક પુસ્તક પ્રદર્શનનું ઉદ્ધઘાટન કરી રહ્યા હતા.

અફઘાનિસ્તાનના આંતરિક બાબતોના મંત્રાલયે જણાવ્યું કે બંદૂકધારીઓની એક ટુકડી બપોરના સમયે કાબુલ યુનિવર્સિટીના કેમ્પસમાં હુમલો કર્યો હતો. આ હુમલા બાદ અફઘાનિસ્તાન સ્પેશિયલ ફોર્સ અને વિદેશી કમાન્ડોની ટીમે યુનિવર્સિટીના પરિસરને ઘેરી લીધુ હતુ. આશરે પાંચ કલાક બાદ પણ આતંકીઓ સાથે અથડામણ ચાલુ રહી હતી.

સુરક્ષાદળોએ યુનિવર્સિટીના તમામ માર્ગોને બ્લોક કરી દીધા હતા.પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે હુમલાખોરોએ યુનિવર્સિટીના એક કલાસમાં પ્રવેશ કર્યો અને ધાણીફૂટ ગોળીબાર કર્યો હતો. જેના કારણે કલાસમાં રહેલા ઘણા વિદ્યાર્થીઓના કાં તો મોત થયા અથવા તેઓ ઘાયલ થયા છે.