કબીર બેદીને ઇટલીના સર્વોચ્ચ સન્માન એવા ‘ધ ઑર્ડર ઑફ મેરિટ’ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. મુંબઈમાં આયોજિત એક ઇવેન્ટમાં તેમને આ અવૉર્ડ આપવામાં આવ્યો હતો. એ વખતે કબીર બેદીની દીકરી પૂજા બેદી અને તેની દીકરી અલાયા ફર્નિચરવાલા પણ હાજર હતી. અવૉર્ડ લીધા બાદનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કબીર બેદીએ કૅપ્શન આપી, ‘ઇટલીના સર્વોચ્ચ સન્માન ‘ધ ઑર્ડર ઑફ મેરિટ’ અવૉર્ડથી મને સન્માનિત કરવામાં આવ્યો છે. મુંબઈમાં ગેટવે ઑફ ઇન્ડિયામાં એક પ્રાઇવેટ સેરેમનીમાં મને આ પ્રતિષ્ઠિત પુરસ્કારથી નવાજવામાં આવ્યો છે. આ અવૉર્ડ મારા માટે ખૂબ ઇમોશનલ બાબત છે. ઇટલીમાં મારા કરેલા કામની સંતુષ્ટિને એ દેખાડે છે. બાર વર્ષ પહેલાં તેમણે મને ‘નાઇટ’ અવૉર્ડથી સન્માનિત કર્યો હતો. એના કરતાં પણ આ અવૉર્ડ વિશેષ છે. આ ડબલ સન્માનથી હું ગદ્ગદ થયો છું. સૅન્દોકન બનવાની મારી યાત્રા અહીંથી સો મીટર દૂર તાજમહલ પૅલેસથી શરૂ થઈ હતી. અહીં જ હું ‘સૅન્દોકન’ના ડિરેક્ટર અને પ્રોડ્યુસરને મળ્યો હતો. લાઇફ ખરેખર સર્કલ છે. સ્ક્રોલ ઑફ ઑનર પર રાષ્ટ્રપતિ મૅટરેલાએ અને વડા પ્રધાન જ્યૉર્જિયા મેલોનીએ સાઇન કરી હતી. એને કૉન્સુલ જનરલ ઍલેઝાન્ડ્રો ડી મેસીએ વાંચ્યો હતો.
તેમણે કહ્યું કે ‘કબીર દાયકાઓથી ભારત અને ઇટલી વચ્ચે સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે અગત્યની ભૂમિકા ભજવે છે. ઇટલીમાં તેમની પૉપ્યુલૅરિટી દરેક પેઢીમાં છે. આ જ કારણ છે કે ઇટલીના પ્રેસિડન્ટે ઇટલીનું સર્વોચ્ચ સન્માન તેમને આપવાનું નક્કી કર્યું હતું. ઇટલીના તમામ લોકો માટે કબીર સ્પેશ્યલ છે.’’