જ્યોર્જિયામાં હથોડીના ઘા ઝીંકીને ભારતીય વિદ્યાર્થીની નિર્મમ હત્યા

જ્યોર્જિયા: ભારતમાંથી ઘણાં યુવાનો આંખોમાં અનેક સપના આંજીને અમેરિકા, કેનેડા કે ઓસ્ટ્રેલિયા જેવા સમૃદ્ધ દેશોમાં જતા હોય છે. જોકે ક્યારેક ઘટતી દુર્ઘટનાઓ આવા યુવાનોના સપનાને ચકનાચૂર કરવાની સાથે તેમના પરિવારનો માળો પણ પીંખી નાખે છે, આવો જ એક બનાવ પંજાબમાં રહેતા એક પરિવાર સાથે બન્યો. આ અહેવાલમાં એની વિગતે વાત કરવામાં આવી છે.

યુ.એસ.માં માસ્ટર્સ કરી રહેલા ભારતીય મૂળના ૨૫ વર્ષીય વિવેક સૈનીની લિથોનિયા, જ્યોજયામાં એક સ્ટોરની અંદર એક બેઘર વ્યક્તિ દ્વારા હત્યા કરવામાં આવી હતી. આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને આરોપી જુલિયન ફોકનર વિદ્યાર્થી વિવેક સૈનીને હથોડી વડે વારંવાર મારતો જોવા મળ્યો હતો.

રિપોર્ટ અનુસાર વિવેક સ્ટોરમાં ક્લાર્ક તરીકે પાર્ટ-ટાઇમ કામ કરતો હતો અને અન્ય કર્મચારીઓએ પોલીસને જણાવ્યું હતું કે તેઓ લગભગ બે દિવસથી ફોકનરને આશ્રય આપી રહ્યા હતા. એક ટીવી ચેનલે અહેવાલ આપ્યો કે કર્મચારીઓએ તેને ચિપ્સ, કોક, પાણી અને શરીરને ગરમ રાખવા માટે એક જેકેટ આપ્યું હતું. કર્મચારીઓએ એક ન્યૂઝ ચેનલને જણાવ્યું કે તેઓએ ફોકનરને સ્ટોરમાંથી બહાર નીકળવાનું કહ્યું ન હતું કારણ કે તેઓ જાણતા હતા કે બહાર ઠંડી છે. જો કે, ૧૬ જાન્યુઆરીએ વિવેક સૈનીએ ફોકનરને કહ્યું કે ’તું અહીંથી જતો રહે, નહીં તો હું પોલીસને બોલાવીશ.’

પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે વિવેક ઘરે જઈ રહ્યો હતો ત્યારે ફોકનરે તેના પર હથોડી વડે હુમલો કર્યો હતો. એક કર્મચારીએ જણાવ્યું કે વિવેકના માથા પર લગભગ ૫૦ વાર માર મારવામાં આવ્યો હતો. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી, ત્યારે તેઓએ ફોકનરને હથોડી સાથે પકડી લીધો હતો. વિવેકને ઘટના સ્થળે જ મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

હરિયાણાના બરવાલામાં રહેતા વિવેક સૈનીના પરિવારના જણાવ્યા અનુસાર તે ચંદીગઢ યુનિવસટીમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં બીટેક કર્યા બાદ બે વર્ષ પહેલા યુએસ ગયો હતો. તેણે તાજેતરમાં જ અલાબામા યુનિવસટીમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર્સ કર્યું છે.

તેનો મૃતદેહ ભારત પહોંચ્યા બાદ તેના અંતિમ સંસ્કાર પણ પૂર્ણ થઈ ગયા છે. તેના એક કુટુંબીને ટાંકીને ન્યુઝ પોર્ટલે કહ્યું કે તે એક તેજસ્વી વિદ્યાર્થી હતો જે પોતાને અને પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે માત્ર યોગ્ય નોકરી ઇચ્છતો હતો. તે એક સ્ટોરમાં કામ કરતો હતો. હત્યારો વિવેકના પરિચયમાં હતો. તે સ્ટોર પર આવતો અને વિવેક પાસે માંગીને સિગારેટ પણ પીતો હતો.

વિવેક તેને સિગારેટ પીવડાવતો હતો, પરંતુ તે દિવસે તેણે ના પાડી દીધી અને કહ્યું કે જો તે વ્યક્તિ ફરીથી હેરાન કરવા આવશે તો તે પોલીસને બોલાવશે. બાદમાં તે હથોડી લઈને આવ્યો અને ઠંડા કલેજે યુવકને મારી નાખ્યો હતો. વિવેકની પિતરાઈ બહેન સિમરનના દાવા પ્રમાણે આ હત્યારો ’ડ્રગ એડિક્ટ અને સાયકો’ હતો.

આખો પરિવાર હજુ પણ વિવેકના મૃત્યુથી પીડાઈ રહ્યો છે અને તેના માતા-પિતા ગુરજીત સિંહ અને લલિતા સૈની શું થયું તે વિશે વાત કરવાની સ્થિતિમાં નથી.