કેન્દ્રની મોદી સરકારે વક્ફ બોર્ડ એક્ટમાં ફેરફાર કરવા માટે એક સંશોધન બિલ લોક્સભામાં રજૂ કર્યું હતું. આ બિલને લઈને સંસદમાં ભારે હોબાળો થયો હતો. વિપક્ષે સર્વસંમતિથી આ બિલનો વિરોધ કર્યો, જ્યારે શાસક પક્ષ તરફથી લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે આ બિલ લાવવાની જરૂર કેમ પડી? જ્યારે વક્ફ બોર્ડ સંશોધન બિલ સંસદમાં લાવવામાં આવ્યું હતું, ત્યારે ઉદ્ધવ જૂથના તમામ ૯ લોક્સભા સાંસદો ગૃહમાંથી ગાયબ હતા.એઆઇએમઆઇએમના રાષ્ટ્રીય પ્રવક્તા વારિસ પઠાણે આ અંગે નિવેદન આપ્યું છે.
વારિસ પઠાણે કહ્યું, જ્યારે લોક્સભાની ચૂંટણી થઈ ત્યારે ઉદ્ધવને મુસ્લિમ મતોની જરૂર હતી. મોટી સંખ્યામાં મુસ્લિમોએ તેમને મત આપ્યો, પરંતુ જ્યારે કેન્દ્ર સરકાર આ બિલ દ્વારા મુસ્લિમો પાસેથી વકફની જમીન છીનવી લેવા માંગે છે, ત્યારે ઉદ્ધવના સાંસદો ગાયબ હતા. તેમણે કહ્યું, મહારાષ્ટ્રના મુસ્લિમો બધુ જોઈ રહ્યા છે. જ્યારે તેઓ વોટ માંગે છે, ત્યારે તેઓ મુસ્લિમો પાસે વોટ માંગવા આવે છે, પરંતુ જ્યારે કેન્દ્ર સરકાર તેમના અધિકારો છીનવી રહી છે ત્યારે તેઓ ગુમ થઈ રહ્યા છે. મુસ્લિમો આગામી સમયમાં ઉદ્ધવને જવાબ આપશે. વિધાનસભા ચૂંટણી આપશે, દરેક વસ્તુનો હિસાબ થશે.
તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે ગુરુવારે વકફ એમેન્ડમેન્ટ બિલ-૨૦૨૪ સંયુક્ત સંસદીય સમિતિને મોકલ્યું હતું. અગાઉ, કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુ દ્વારા લોક્સભામાં તેને રજૂ કરવામાં આવ્યું હતું. ચર્ચા દરમિયાન તેમણે બિલને જેપીસીને મોકલવાનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો. આ બિલનો કોંગ્રેસ, એસપી એનસીપી(શરદ પવાર), એઆઇએમઆઇએમ,ટીએમસી સીપીઆઇ એમ, આઇયુએમએલ,ડીએમકે દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન એઆઇએમઆઇએમ સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે વકફ પ્રોપર્ટી જાહેર મિલક્ત નથી. વકફ પ્રોપર્ટી એટલે મસ્જિદ અને દરગાહની જગ્યા. સરકાર કહી રહી છે કે અમે મહિલાઓને સભ્ય બનાવીશું. શું તેઓ બિલકીસ બાનોને સભ્ય બનાવશે, આ સરકાર મુસ્લિમોની દુશ્મન છે.