’જ્યાં સુધી રાહુલ ગાંધી પીએમના બની જાય ત્યાં સુધી ઉધારી બંધ’: છિંદવાડાની એક પાનની દુકાનનું પોસ્ટર વાયરલ

ભોપાલ,મધ્યપ્રદેશના છિંદવાડાની એક પાનની દુકાન અચાનક ચર્ચામાં આવી ગઈ છે. આ દુકાન પર લાગેલુ પોસ્ટર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યુ છે. આ લખેલી લાઈનોને લઈને ઘણા પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ પોસ્ટર પર લખેલુ છે કે જ્યાં સુધી રાહુલ ગાંધી વડાપ્રધાન નહીં બની જાય ત્યાં સુધી ઉધારી બંધ. આ પોસ્ટર અંગે દુકાન માલિકે કહ્યુ કે તેઓ રાહુલ ગાંધીને દેશના વડાપ્રધાન તરીકે જોવા માંગે છે.

મધ્યપ્રદેશના છિંદવાડામાં કર્બલા ચોક પર હાજર એક દુકાન પર પાનના વેપારીની વાતો, તેમના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહ્યા છે. પાનની આ દુકાન છિંદવાડાના મોહમ્મદ હુસૈનની છે જેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને વડાપ્રધાન તરીકે જોવાનું સપનુ જોયુ છે અને આ માટે તેમણે પોતાની દુકાનમાં સ્પષ્ટ અક્ષરોમાં લખેલુ પોસ્ટર ચોંટાડ્યુ છે. મોહમ્મદ હુસૈન રાહુલ ગાંધીથી ખૂબ પ્રભાવિત છે.

તેમનું આ પોસ્ટર ઉધારમાં પાન અને અન્ય સામાન માંગતા લોકો માટે મેસેજ તો છે જ સાથે જ મોહમ્મદ હુસૈન ઈચ્છે છે કે દેશની કમાન રાહુલ ગાંધીના હાથોમાં હોય. પોતાના સંકલ્પને લઈને તેમણે કહ્યુ, અમે ઈચ્છીએ છીએ કે શિક્ષિત મંત્રી બને. જે જાગૃત હોય. રાહુલ ગાંધી દેશના વડાપ્રધાન બને. તેમને અમારુ સંપૂર્ણ સમર્થન છે.