શ્રીનગર,
નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ મંગળવારે દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું હતું કે જ્યાં સુધી પાકિસ્તાન સાથે અમારા સંબંધો વધુ સારા નહીં હોય ત્યાં સુધી અમે ભારતમાં ક્યારેય શાંતિ નહીં જોઈ શકીએ. કોઈ મુસ્લિમોને આગળ વધતા જોઈ શક્તા નથી કારણ કે મુસ્લિમોને દેશદ્રોહી ગણવામાં આવે છે. અમે રાષ્ટ્રવિરોધી નથી, અમે બધાની જેમ ભારતીય છીએ.
આના એક દિવસ પહેલા, આંતરરાષ્ટ્રીય માનવાધિકાર દિવસ પર, તેમણે કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના લોકોના સર્વાંગી વિકાસનો વિચાર ત્યાં સુધી સાર્થક થશે નહીં જ્યાં સુધી તેમના મૂળભૂત લોક્તાંત્રિક અધિકારોનું સન્માન કરવામાં નહીં આવે.
તેમણે કહ્યું કે સત્તાધારી ગઠબંધન રાષ્ટ્રીય સ્તરે રાજકીય સીડી પર ચઢવા માટે જમ્મુ અને કાશ્મીરનો ઉપયોગ કરી રહ્યું છે, જે જમીની વાસ્તવિક્તા સાથે સુસંગત નથી. તેમણે આરોપ લગાવ્યો કે યુવાનોને રોજગાર આપવાની વાત જ જમ્મુ અને કાશ્મીર સાથે જોડાયેલી બાબતો પર નિયંત્રણ ધરાવતી કેન્દ્ર સરકારે સેંકડો નોકરીયાત યુવાનોને બહારનો રસ્તો બતાવ્યો છે.