ગોવાહાટી, આસામ વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાનો ગુસ્સો જોવા મળ્યો હતો. તેમણે એસેમ્બલીમાં ’મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ એક્ટ ૧૯૩૫’ને રદ્દ કરવા પર સવાલ ઉઠાવનારા કોંગ્રેસના નેતાઓને ફટકાર લગાવી હતી. આ દરમિયાન હિમંતા બિસ્વા સરમા ગુસ્સાથી લાલ દેખાઈ રહ્યા હતા. તેમણે ગૃહમાં કહ્યું, ’જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી હું આસામમાં નાની છોકરીઓના લગ્ન નહીં થવા દઉં.’
વીડિયોમાં જોઈ શકાય છે કે સીએમ વિધાનસભામાં કોંગ્રેસ પર ગર્જના કરે છે અને કહે છે, ’ધ્યાનથી સાંભળો,’ જ્યાં સુધી હું જીવતો છું, ત્યાં સુધી આસામમાં બાળ લગ્ન નહીં થવા દઉં. તમે આ સાંભળો. હું તમને રાજકીય રીતે પડકાર આપવા માંગુ છું કે હું આ દુકાન ૨૦૨૬ પહેલા બંધ કરી દઈશ.
આસામ વિધાનસભામાં સીએમ હિમંતના આક્રમક વલણનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમણે પર લખ્યું હતું તમે લોકોએ મુસ્લિમ સમાજની દીકરીઓને બરબાદ કરવા માટે જે દુકાન ખોલી છે તે અમે સંપૂર્ણપણે બંધ નહીં કરીએ ત્યાં સુધી અમે શાંતિથી બેસીશું નહીં.
તમને જણાવી દઈએ કે હાલમાં જ આસામની હિમંતા સરકારે મેરેજ એક્ટ પર મોટો નિર્ણય લીધો છે. જેમાં રાજ્યમાં મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ એક્ટ ૧૯૩૫ને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યો હતો. આ પછી હવે આસામમાં તમામ લગ્ન સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ થશે. ત્યારથી, કોંગ્રેસની સાથે અન્ય ઘણા મુસ્લિમ નેતાઓ હિમંતા સરકારના આ નિર્ણય સામે હોબાળો કરી રહ્યા છે. મુખ્યમંત્રીએ આજે વિધાનસભામાં આકરા સૂરમાં જવાબ આપ્યો હતો.