’જ્યાં રોજ ષડયંત્ર થતા હોય ત્યાં શું અનુમાન :મોદીના ૩૭૦ બેઠકના દાવા પર શંકરાચાર્યનું મોટું નિવેદન

રાજસ્થાન, લોક્સભા ૨૦૨૪ની ચૂંટણી માટે સાત તબક્કામાંથી હવે ત્રણ તબક્કાનું મતદાન જ બાકી રહ્યું છે. ચાર તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે. ત્યારે પાંચમાં તબક્કાના મતદાન માટે રાજકીય પક્ષોએ એડીચોટીનું જોર લગાવી દીધું છે. ભાજપ વધુને વધુ બેઠકો જીતવા માટે પ્રચંડ પ્રચાર કરી રહી છે. જેની કમાન ખુદ મોદીએ સંભાળી છે. ત્યારે હવે શંકરાચાર્ચ અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ વડાપ્રધાન મોદીના દાવા પર પ્રતિક્રિયા આપી છે.

જગદગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી રાજસ્થાનમાં એક જાહેર સભાને સંબોધિત કરવા આવ્યા હતા. આ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો કર્યો છે કે ભારતીય જનતા પાર્ટી લોક્સભા ચૂંટણીમાં ૩૭૦ બેઠકો જીતીને સરકાર બનાવશે. આનો જવાબ આપતા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું કે ’કોઈ વસ્તુનો અંદાજ ગણિત અને સંભાવનાઓના આધારે લગાવવામાં આવે છે, પરંતુ એવી જગ્યાએ જ્યાં દરેક ક્ષણે કોઈ ષડયંત્ર રચવામાં આવે છે ત્યાં અંદાજ લગાવી શકાતો નથી.’

આ ઉપરાંત શંકરાચાર્યને ગૌહત્યા અંગે પણ પૂછવામાં આવ્યું કે શું તેઓ આ મામલાને સરકાર સુધી લઈ જશે? જેના જવાબમાં શંકરાચાર્યએ કહ્યું, ’અમે બધું જ જણાવીએ છીએ. શું સરકારથી કંઈ છૂપું રહી શકે? અહીં આઈબીના લોકો હશે. અમે જે પણ બોલીએ છીએ, સરકાર તેની નોંધ લે છે અને અમે છુપી રીતે કશું બોલતા નથી.’ ઉલ્લેખનીય છે કે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ આ વર્ષે ૨૨ જાન્યુઆરીએ અયોયામાં બનેલા રામ મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લીધો ન હતો. જગદગુરુ અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી ઉત્તરાખંડના જ્યતિષપીઠના શંકરાચાર્ય છે.