
- પોલીસે પરીક્ષાર્થીઓને સમજાવી મામલો થાળે પાડ્યો.
ગોધરા,
ગુજરાત રાજયમાં આજરોજ યોજાનાર જુનીયર કલાર્કના પેપેર લીક થવાના સમાચાર બાદ જુનીયર કલાર્કની પરીક્ષા આપવા આવેલા પરીક્ષાર્થીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ગોધરા લાલબાગ બસ સ્ટેશન ખાતે વિધાર્થીઓ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા પરીક્ષાર્થીઓને સમજાવટ કરવાના પ્રયાસ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાંં આવ્યો હતો.
રાજયભરમાં જુનીયર કલાર્કની 1181 ખાલી જગ્યાઓ માટે આજરોજ જુનીયર કલાર્કની પરીક્ષા આપવા માટે પરીક્ષાર્થીઓ જેને ખુલ્લામાં પરીક્ષા કેન્દ્રો ઉપર આવી કડકડતી ઠંડીમાં પરીક્ષા આપવા માટે ભારે ઉત્સાહ સાથે આવ્યા હતા. જયારે આજે યોજાનાર જુનીયર કલાર્કની પરીક્ષાનુ પેપર લીક થતાં આજે યોજાનાર પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી પરીક્ષાર્થીઓ જુનીયર કલાર્કની પરીક્ષા આપવા માટે મહેનત કરતા હોય અને પરીક્ષા પેપરની રાત્રિએ પેપર લીક થવાનો કિસ્સો પ્રકાશમાં આવતા પરીક્ષા રદ્દ કરવામાં આવી અને આ પેપર માટે નવી તારીખ જાહેર કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે વિવિધ કેન્દ્રો ઉપર યોજાનાર જુનીયર કલાર્કની પરીક્ષા આપવા માટે બીજા જિલ્લાઓમાંથી રાત્રિના સમયે ગોધરા ખાતે આવી પહોંચેલ પરીક્ષાર્થીઓને જુનીયર કલાર્કની પરીક્ષાનુ પેપર લીક થતાં પરીક્ષા રદ્દ થવાની જાણ થતાં ગોધરા લાલબાગ બસ સ્ટેન્ડમાં પરીક્ષા આપવા માટે આવેલ પરીક્ષાર્થીઓએ ભારે આક્રોશ સાથે બસ સ્ટેશનના મુખ્ય ગેટ પાસે બેસીને સરકાર વિરુદ્ધ સુત્રોચાર કરીને હોબાળો માચાવી દેતા પોલીસ ધટના સ્થળે દોડી આવી હતી. અને પોલીસ દ્વારા પરીક્ષાર્થીઓને સમજાવટ કરીને મામલો થાળે પાડ્યો હતો. છેલ્લા લાંબા સમયથી જુનીયર કલાર્કની પરીક્ષા માટે મહેનત કરતા પરીક્ષાર્થીઓને પરીક્ષા પહેલા પેપર લીક થયાની જાણ થતાં પોતાના સપના ઉપર પાણી ફરી વળતા દુ:ખ સાથે સરકાર સામે આક્રોશ પણ જોવા મળ્યો હતો.
બોકસ :
જુનીયર કલાર્કની પરીક્ષા પહેલા પેપર લીક થતાં સરકાર દ્વારા પરીક્ષા રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી. અવાર નવાર ગુજરાત રાજયમાં વિવિધ પરીક્ષાઓમાં પેપર લીક થવાની ધટનાઓ સામે આવી છે. તે જોતા ગુજરાત બહાર હૈદરાબાદ પ્રિન્ટિંગ પ્રેસમાં પેપર છપાવવામાં આવ્યુ હતુ તેમ છતાં પ્રેસમાંથી પેપર લીક થયુ અને પેપર લીકમાં બિહાર-ઓરીસ્સા અને ગુજરાતનુ કનેકશન સામે આવ્યુ છે. ગુજરાત એટીએમ દ્વારા પેપર લીકમાં 15 ઈસમોની અટકાયત કરવામાં આવી છે. વધુ એક વખત રાજયમાં પેપર લીક થવાની ધટના બાદ પરીક્ષા રદ્દ થતાં પરીક્ષાર્થીઓના સપના ઉપર પાણી ફરી વળ્યુ છે.
બોકસ :
પંચમહાલ જિલ્લાની ગોધરા, હાલોલ, કાલોલ અને મોરવા(હ)તાલુકા ખાતે જુનીયર કલાર્કની પરીક્ષા માટે 54 પરીક્ષા કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા હતા. જેમાં 19,260 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવાની હતી. જેને લઈ એસ.ટી વિભાગ દ્વારા તમામ રૂટ ઉપર 15 એસ.ટી.બસની સુવિધા ઉભી કરવામાં આવી હતી. પરીક્ષા આપવા ઉત્સાહિત પરીક્ષાર્થીઓ પરીક્ષા કેન્દ્રો ઉપર પહોંચે તે પહેલા પેપર લીક થતાં પરીક્ષા રદ્દ કરવામાં આવતા પરીક્ષાર્થીઓ દુ:ખી થયા હતા અને પોતાની મહેનત ઉપર પાણી ફરી વળતા સરકાર સામે વિરોધ સાથે આક્રોશ વ્યકત કર્યો છે.