ભોપાલ, મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર હાલ પૂરજોશમાં ચાલી રહ્યો છે. કોંગ્રેસ અને ભાજપના તમામ વરિષ્ઠ નેતાઓ જાહેર સભાઓ સંબોધીને જનસંપર્ક દ્વારા લોકો પાસે મત માંગી રહ્યા છે. આ દરમિયાન ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાજ્યના શિવપુરીમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી અને ભાજપ માટે વોટ માંગ્યા. આ દરમિયાન તેમણે લોકોને અપીલ કરી અને કહ્યું કે, તેઓ મોબાઈલ ફોન છોડી દે અને લોકોની સાથે હળો મળો.
સિંધિયાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કહે છે, ’તમારો મોબાઈલ છોડી દો અને લોકોને ગળે લગાડવાનું શરૂ કરો. હું ચોક્કસપણે યુવાન જેવો દેખાઉં છું, પરંતુ હું પણ વૃદ્ધ થઈ રહ્યો છું. પણ મારો આત્મા ઘણી વૃદ્ધ છે. મને જૂની સિસ્ટમ ગમે છે. મને જૂની સિસ્ટમ ગમવાનું કારણ એ છે કે, તે મૂલ્યોની સિસ્ટમ હતી, જૂની સિસ્ટમ સિદ્ધાંતોની સિસ્ટમ હતી, જૂની સિસ્ટમ નિયમોની સિસ્ટમ હતી.’
ભૂતકાળને યાદ કરતાં સિંધિયા આગળ કહે છે, ’જૂની સિસ્ટમમાં જો કોઈને વચન આપી દીધું તો, પછી ભાઈ, પ્રાણ ભલે નીકળી જાય પણ તેનું વચન પાછું નહિ ફરે. તેમાં લોકો હંમેશા તેમના વચનો પાળવા માટે તૈયાર હતા. તે સિદ્ધાંતોનો યુગ હતો. મારા ભાઈઓ અને બહેનો, તમારે એ સિદ્ધાંતોના યુગમાં પાછા ફરવું પડશે.
આ પહેલા પિછોર વિધાનસભાના પિછોર અને ખાણીયાધાણામાં જનસભાને સંબોધતા તેમણે કોંગ્રેસ પર પણ જોરદાર નિશાન સાધ્યું હતું. કમલનાથ અને દિગ્વિજય સિંહ પર નિશાન સાધતા સિંધિયાએ કહ્યું કે, આ લોકોને સત્તા મેળવવાની એટલી લાલચ છે કે, તેઓ એકબીજાના કપડા ફાડી રહ્યા છે, વિચારો જો આ લોકો સત્તામાં આવશે તો સામાન્ય લોકોનું શું થશે. તેમણે કાર્યકરોને એક થઈને ભાજપની જીત માટે કામ કરવા હાકલ કરી હતી.
અહીં તમને જણાવી દઈએ કે, ચૂંટણી પંચ દ્વારા મધ્યપ્રદેશની ૨૩૦ વિધાનસભા બેઠકો માટે જાહેર કરાયેલ ચૂંટણી કાર્યક્રમ અનુસાર મધ્યપ્રદેશમાં એક તબક્કામાં મતદાન થશે. ૧૭મી નવેમ્બરે મતદાન થશે અને ૩જી ડિસેમ્બરે મતગણતરી પછી પરિણામ જાહેર કરવામાં આવશે.