- સંજેલીમાં ભારે વરસાદના પગલે ઠેર-ઠેર વીજ પોલ તેમજ સંખ્યાબંધ વૃક્ષો ધરાશાયી થતા 45 ગામોમાં અંધારપટ
- ત્રણ દિવસથી 45 થી વધુ ગામડાઓ અંધારપટમાં, ગ્રામ્ય વિસ્તારોમાં એમજીવીસીએલ પાસે સંસાધનોનો અભાવ.
- સંજેલી તાલુકા મથકે MGVCL કર્મચારીઓ પાસે સુવિધાઓના નામે મીંડુ.
દાહોદ, સંજેલી તાલુકાના 56 માંથી 45 જેટલાં ગામો કોટા, થાળા, ગોવિંદાતલાઈ ઢેડીયા, નેનકી, જીતપુરા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ઠેર-ઠેર વીજ પોલ ધરાશાયી થતા ત્રણ દિવસથી વીજ પુરવઠો ખોરવાતા ગ્રામ્ય વિસ્તારો સંપર્ક વિહોણા બન્યા છે. તાલુકા મથક હોવા છતાં MGVCLની વીજ કચેરી કર્મચારીઓ પાસે સુવિધાઓનો અભાવ તેમજ વીજ કચેરીથી વાહન વ્યવહાર તેમજ સંસાધનો બહારથી મંગાવવા મજબૂર બન્યા છે. જોકે તંત્રને માત્ર વીજબીલ ઉઘરાવવામાં જ રસ હોય તેમ તાલુકાની રજૂઆતને ધ્યાને લેતા નથી. વરસાદની આગાહીને પગલે સંજેલી તાલુકાના આવેલા ગામડાઓમાં નદી નાળાઓ છલકાઈ ગયા છે. તેમજ રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. તેમજ સંજેલી શિંગવડને જોડતા નાની સંજેલી ચિબોટા નદી બે કાંઠે વહેતા રસ્તો પણ તૂટી ગયો છે. તમામ મુખ્ય માર્ગો પર પાણી વધતા તેમજ વૃક્ષો ધરાશાઈ થતા રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા હતા અને ત્રણ દિવસ થી ઠેર-ઠેર વીજ પોલ ધરાસાઈ થતા તાલુકાના 45 જેટલા ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. આ ગામડાઓ સંપર્ક વિહોણા થયા હતા. MGVCL તંત્ર માત્ર સંજેલી તાલુકામાં વીજ પુરવઠો આપી અને વીજ બિલ ઉઘરાવવામાં જ મશગુલ હોય તેમ આ તાલુકામાં એમજીવીસીએલની વીજ કચેરી ખોલવામાં આવી નથી, તેમજ MGVCLના કર્મચારીઓ પાસે માત્ર ડંડા સિવાય વાહન કે અન્ય કોઈ સાધનો ન હોવાને કારણે ગ્રામ્ય વિસ્તાર ની પ્રજાને 21મી સદીની ટેકનોલોજી જમાનામાં પણ અંધારામાં રહેવા મજબૂર બન્યા છે. તાલુકામાં વારંવાર સંજેલી તાલુકા મથકે એમજીવીસીએલની કચેરી તેમજ પૂરતો સ્ટાફ અને સાધનો ફાળવવામાં રજૂઆત કરવા છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યા છે.
સંજેલી તાલુકાના ઢેડીયા વિસ્તારમાં સંખ્યાબંધ વીજપોલ ધરાસાઈ થતા અંધારપટ….
સંજેલી તાલુકાના ઢેડીયા વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી ખેતરોમાં તેમજ મુખ્ય રોડ પર લગભગ સાત આઠ જેટલા વીજ પોલ ધરાસાઈ થતા જીવંત વાયર પણ ખેતરોમાં ખુલ્લા પડ્યા છે અને વીજ પુરવઠો ખોરવાયો છે. જેથી એમજીવીસીએલના કર્મચારીને જાણ કરવા છતાં પણ ત્રણ દિવસ વીત્યા બાદ પણ હજુ સુધી લાઈટ ચાલુ થઈ નથી.-: ભાજપા જીલ્લા મહામંત્રી રમીલાબેન રાઠોડ :-
નેનકી વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાતા યાંત્રિક ઉપકરણો શોભાના ગાંઠિયા સમાન સાબિત થયા. નેનકી વિસ્તારમાં વરસાદની શરૂઆત થતાં જ વીજ પુરવઠો ખોરવાયો છે અને જેના કારણે મોબાઈલો તેમજ અન્ય સંસાધનો ગાંઠિયા સમાન અને બાળકોને અભ્યાસ માટે સમસ્યા ઊભી થઈ છે. વીજ પોલ તેમજ વીજ કનેક્શનનું યોગ્ય મરામત કરી અને પૂરતો વીજ પુરવઠો શરૂ કરવામાં આવે તેવી માંગ છે. -: તાલુકા માજી સૈનિક પ્રમુખ રણછોડભાઈ પલાસ :-