જૂનાગઢમાં સગા બાપે જ 12 વર્ષની દીકરીને પીંખી:પત્નીને છૂટાછેડા આપ્યાના દોઢ મહિનામાં પોત પ્રકાશ્યું, 4 વખત વાસનાનો શિકાર બનાવી, ધરપકડ

જૂનાગઢના ભેસાણ તાલુકાના એક ગામમાં માનવતાને શરમાવે તેવો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક પિતાએ પોતાની 12 વર્ષની સગી દીકરી પર દુષ્કર્મ આચર્યું છે. પત્નીને છૂટાછેડા આપ્યાના દોઢ મહિનામાં પોત પ્રકાશ્યું હતું અને 12 વર્ષીય દીકરીને ચાર વાર વાસનાનો શિકાર બનાવી હતી. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.

છૂટાછેડા બાદ દીકરો-દીકરી પતિ પાસે હતા આરોપી ગાંડા અરસડીયા (ઓળખ છુપાવવા નામ બદલવામાં આવ્યું છે)ના દોઢ મહિના પહેલા પત્ની સાથે છૂટાછેડા થયા હતા. છૂટાછેડા બાદ તેની 12 વર્ષની દીકરી અને 9 વર્ષનો દીકરો પિતા સાથે રહેતા હતા, જ્યારે માતા જૂનાગઢ તાલુકામાં પોતાના પિયરમાં રહેતી હતી.

છેલ્લા દોઢ મહિનામાં પિતાએ દીકરીની નાદાનીનો લાભ લઈ 3-4 વખત દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત, તે બંને બાળકોને મારઝૂડ પણ કરતો હતો. આખરે પીડિત દીકરીએ હિંમત કરીને પોતાની માતાને આ સમગ્ર ઘટનાની જાણ કરી હતી.

દીકરીની વ્યથા સાંભળી માતા તરત જ ભેસાણ પોલીસ સ્ટેશન પહોંચી હતી. મહિલા પીઆઈ એફ.બી. ગગનીયાએ પિતા વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસ ટીમે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી છે.

ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાના જણાવ્યા મુજબ, પીડિત સગીરાનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી તે આ આઘાતજનક ઘટનાથી બહાર આવી શકે.