જ્યારથી ગિરનાર રોપ વે શરૂ થયો છે ત્યારથી રોપ વેના ભાડાને લઈને અનેક રજુઆત કરવામાં આવી હતી. રાજ્યના મુખ્યમંત્રીથી લઈને દેશના વડાપ્રધાન સુધી રોપ વેના ભાડા ઘટાડવા અંગે રજુઆત કરવામાં આવી હતી. આ બાદ જૂનાગઢ શહેરમાંથી ઉઠેલા વિરોધ વંટોળથી આજે ઉષા બ્રેકો કંપનીએ નવી જાહેરાત કરી હતી.
આ જાહેરાત આંશિક ભાવ ઘટાડાની હતી. જે ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે તેમાં જીએસટી ભાડામાં સમાવી લેવાની જાહેરાત કરી છે. તેથી કહી શકાય કે આ ઘટાડો લોલીપોપ સમાન છે. ટિકિટના દરમાં જે 18 ટકા જીએસટી ઉમેરવામાં આવ્યો હતો તેની બદલે ટિકિટના દરમાં જ જીએસટી આવી જશે.
નવી જાહેરાત પ્રમાણે પુખ્ત વયની વ્યક્તિનો આવવા-જવા માટે ટિકિટનો ભાવ જીએસટી સહીત 700 રૂપિયા રહેશે. બાળકો માટે આવવા-જવાના ટિકિટનો ભાવ જીએસટી સહિત 350 રૂપિયા રહેશે. જો કોઈ વ્યક્તિએ એક તરફની મુસાફરી કરવી હશે તો તેમણે આ માટે જીએસટી સહિત 400 રૂપિયા ચૂકવવા પડશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ટિકિટના દર પર જીએસટી અલગથી લેવામાં આવતો હતો. હવે જીએસટીના દરને ટિકિટના ભાવમાં જ સમાવી લેવામાં આવ્યો છે.
દિવ્યાંગ તેમને ડિફેન્સ વ્યક્તિઓને ટિકિટમાં કન્સેશન મળશે, પરંતુ આ માટે આઈડી કાર્ડ ફરજિયાત રહેશે. આ ટિકિટનો ભાવ 400 રૂપિયા રહેશે. ટિકિટ જે દિવસે ખરીદશે તો જ દિવસે માન્ય રહેશે. ટિકિટની ખરીદી કર્યાં બાદ રિફંડ નહીં મળે.
જૂનાગઢ રોપ વેના ભાડાને કારણે વિવાદ અને વિરોધનો વંટોળ ઊભો થયો છે. જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોષી એ ગિરનાર રોપ-વેનું ભાડું સામાન્ય વર્ગને પોસાય એટલું રાખવાની માંગ કરી હતી.
ગુજરાતમાં આવેલા રોપ વે ની વાત કરવામાં આવે તો ડાંગ જિલ્લામાં સાપુતારામાં બનેલા રોપ વેની સફર માટે વયસ્ક પ્રવાસીના ભાવ 62 રૂપિયા છે. તો પંચમહાલ જિલ્લામાં પાવાગઢમાં ડુંગર પર માં મહાકાળીના દર્શન માટે બનેલ રોપ વે ના ભાવ 141 છે, તો અંબાજીમાં માં અંબાજીના દર્શન માટે બનેલ રોપ વે ના ભાવ 118 છે. સૌથી વધુ ભાવ જૂનાગઢના ગીરનાર રોપ વેનો છે.