જૂનાગઢમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. ત્યારે વિલિંગ્ડન ડેમના પાણીએ જૂનાગઢ નજીકના ૮ ગામડાઓની પથારી ફેરવી નાખી છે. ખેતરો તળાવમાં ફેરવાઈ ગયાં છે. રોડ રસ્તામાં પાણી ભરાયેલાં છે. જેથી લોકોને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. ત્યારે આ વિસ્તારના ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે, તંત્રના પાપે આ તારાજી સર્જાઈ છે. ગિરનારનું પાણી વિલિગ્ડન ડેમ આવે છે તે વિલિંગ્ડન ડેમનું પાણી હવે આ વર્ષે કાળવા નદીના બદલે ગામડાઓમાં ફરી વળ્યું છે. તંત્રએ પાણીના વહેણને કૃત્રિમ રીતે ગામડાઓ તરફ વાળ્યું છે.
તો તંત્રનું કહેવું છે કે, આ અમારું કામ નથી, આ વિસ્તાર વન વિભાગમાં આવે છે. બીજી તરફ વન વિભાગે કહ્યું કે, વધુ વરસાદ આવવાથી ડેમનો પ્રવાહ વયો હતો. જે પ્રવાહ કબૂતરી ખાણ નજીકની ચેનલમાંથી પસાર થતાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
જૂનાગઢ નજીકના પ્લાસવા, વિજાપુર, સોડવદર, ઘોળવદર સહિતનાં ગામોમાં ખેતરો તળાવમાં ફેરવાઈ ગયાં હતાં. આ ગામમાં તારાજી સર્જાઈ છે. વિલિંગ્ડન ડેમથી આવતા પાણીના વહેણથી ખેતરો ધોવાયા હોવાના આક્ષેપો ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ ગિરનારનું પાણી જે વિલિંગ્ડન ડેમમાં આવે છે તે ડેમનું પાણી પહેલા કાળવા નદીમાં વધુ જતું હતું જેથી જૂનાગઢ શહેરમાં ગત વર્ષે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, જેથી તંત્રએ પોતાનું પાપ ઢાંકવા માટે આ ડેમના પાણીના વહેણને કૃત્રિમ રીતે ગામડાઓ તરફ વાળ્યું છે.
જેથી ડેમનાં પાણી કાળવા નદીના બદલે ગામડાઓમાં ફરી વળ્યાં છે. પ્રથમ વરસાદમાં પણ આ પરિસ્થિતિ સર્જાઈ હતી. જેને પગલે આ મામલે થોડા દિવસો પહેલાં જ પાંચ ગામના સરપંચો મુખ્યમંત્રીને રજૂઆત કરવા ગાંધીનગર પહોંચ્યા હતા. ચોમાસા પહેલાં વરસાદમાં વિલિંગ્ડન ડેમનું પાણી તંત્રની અણ આવડતના કારણે સોડવદર, ઘુડવદર પ્લાસવા તરફ વળ્યું હોવાના સરપંચો તેમજ ખેડૂતો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા.
જૂનાગઢમાં વરસાદી પાણીનું વહેણ કૃત્રિમ રીતે તંત્ર દ્વારા આ ગામોમાં વાળવામાં આવ્યું છે કારણ કે ગયા વર્ષે શહેરમાં જે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તે ભૂલ ફરી ન થાય અને સારી કામગીરી સરકારમાં બતાવી શકાય તે માટે આ ગામોમાં પાણીનું વહન તંત્ર દ્વારા કૃત્રિમ રીતે વાળવામાં આવ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. જ્યારે આ મામલે તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ડેમ નજીક જે પાણીનું વહેણ છે તે પહોળું થઈ જવાના કારણે આ પાણીનો પ્રવાહ વયો છે.
જૂનાગઢ કલેક્ટર દ્વારા પણ આ મામલે બેઠક યોજી છે અને વહેલી તકે નિરાકરણ લાવવા તંત્રને સૂચના આપવામાં આવી છે. પ્લાસવા ગામના અગ્રણી ભરત સિદ્ધપુરાએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે ૨૩ જુલાઈના ૨૦૨૩ના જે વરસાદ થયો હતો તે કુદરતી વરસાદ હતો. તે વખતે જૂનાગઢમાં ખૂબ વરસાદ પડ્યો હતો. પરંતુ આ વર્ષે એટલો બધો વરસાદ પડ્યો નથી, છતાં ગામડાની કપરી પરિસ્થિતિ છે તેનું કારણ એ છે કે, જૂનાગઢ કોર્પોરેશન પોતાનું પાપ ઢાંકવા માટે પાણીનું કુદરતીના બદલે કૃત્રિમ વહેણ બનાવી પાણીને ગામડાઓ તરફ ધકેલે છે.