જુનાગઢ તોડકાંડ: દીપ શાહે તરલ ભટ્ટને ૬૦૦થી વધુ બેંક ખાતાની માહિતી આપી હોવાનુ તપાસમાં ખૂલ્યુ

જુનાગઢ, જુનાગઢ બહુચર્ચિત અને ચકચારી તોડકાંડના કેસમાં એટીએસ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. માણાવદરના પૂર્વ પીઆઇ અને સીપીઆઇ તરલ ભટ્ટના અનેક કારનામાનો ચોંકાવનારો ખૂલાસા થઈ રહ્યા છે. એટીએસએ તરલ ભટ્ટના વિશ્ર્વાસુ દીપ શાહની ધરપકડ કરી છે. મૂળ ભાવનગરનો અને મુંબઈ રહેતા દીપ શાહે તરલ ભટ્ટને ૬૦૦ થી વધુ બેંક ખાતાની માહિતી આપી હોવાનુ ખૂલ્યુ છે. દીપ શાહ ગુજરાત એટીએસથી બચવા માટે દુબઈ ભાગવાની ફિરાકમાં હતો.

માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડની તપાસમાં પણ દીપ શાહની મદદ લેવાઈ હતી. ક્રિકેટ સટ્ટામાં બેંક ખાતાના ઉપયોગ અંગે વેરિફિકેશન માટે દીપ શાહની મદદ લેવામાં આવી હતી. જુનાગઢ તોડકાંડમાં બેંક ખાતાની વિગતો દીપ શાહે આપી હતી. તરલ ભટ્ટ પકડાઇ જતા દીપ શાહે તમામ ફોન તોડીને પુરાવા નાશ કર્યા હતા. દુબઇથી ક્રિકેટ સટ્ટો ચલાવતા બિરજુ શાહે રૂપિયા મોકલ્યા હોવાનો પણ ખૂલાસો થયો છે. મુંબઇથી ૯૭.૯૪ લાખ અને ત્યારબાદ ૯.૮૪ લાખ આંગડિયાથી મોકલ્યા હોવાનુ ખૂલ્યુ છે. અન્ય એક ક્રિકેટ સટ્ટાના બુકી પાસેથી ૩૭.૭૮ લાખ તરલ ભટ્ટે મેળવ્યા હતા

એટીએસએ પકડેલા તરલ ભટ્ટના વિશ્ર્વાસુ દીપ શાહ મૂળ ભાવનગરનો છે અને મુંબઈમાં રહે છે. તરલ ભટ્ટના ઈશારે જે બેંક ખાતા ફ્રીઝ કરાયા હતા તે ખાતાધારક પાસેથી જે પૈસા ઉઘરાવવામાં આવતા હતા તેમાં લાખોની રકમ દીપ સ્વીકારતો હતો. અત્યાર સુધીમાં ૪૦ લાખ જેટલી રકમ સ્વીકારી હોવાની સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે.