જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના મહંત જે.કે.સ્વામી સામે વધુ એક છેતરપિંડીનો ગુનો દાખલ થયો છે. ભાજપના કોર્પોરેટર હિમાંશુ રાઉલજી જે.કે.સ્વામીની છેતરપિંડીનો ભોગ બન્યા. સુરતના વોર્ડ નંબર ૨૨ના ભાજપના કોર્પોરેટર હિમાંશુ રાઉલજી સાથે જે.કે.સ્વામીએ ૧ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. ત્યારે હવે સુરતના વોર્ડ નંબર ૨૨ના કોર્પોરેટર સાથે છેતરપિંડી થતા તેમણે જે.કે.સ્વામી સામે ફરિયાદ નોંધાવી છે.
ભાજપના કોર્પોરેટર હિમાંશુ રાઉલજીએ જે.કે.સ્વામી અને તેની ટોળકી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. રિઝા ગામે સ્વામિનારાયણ મંદિર અને ગુરુકુળના પ્રોજેક્ટના નામે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. રિઝા ગામે સ્વામિનારાયણ મંદિર અને ગુરુકુળના પ્રોજેક્ટ બનાવવા માટે ૭૦૦ વીઘા જમીન ખરીદવાના નામે ૧ કરોડ પડાવ્યા હતા. ત્યારે ભાજપના કોર્પોરેટર હિમાંશુ રાઉલજીએ આખરે સ્વામી અને તેની ટોળકી સહિત આઠ વિરુદ્ધ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે. ભાજપના કોર્પોરેટરે સુરેશ શાર્દુલ, જય કૃષ્ણ સ્વામી ઉર્ફે જે.કે.સ્વામી સામે ફરિયાદ નોંધાવી છે. સાથે જ નીલકંઠ ડેવલોપર્સના ભરત પટેલ, અમિત પંચાલ, રમેશ પંચાલ, પાર્થ ઉર્ફે મન્સૂર અને મૌલિક પરમાર સામે ફરિયાદ નોંધાવી છે.
ઉલ્લેખનીય છે કે, બે મહિના અગાઉ જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના મહંતના કારસ્તાન સામે આવ્યા હતા. તેમણે આણંદમાં પોઇચા જેવો સ્વામિનારાયણ મંદિરનો પ્રોજેક્ટ બનાવવાના બહાને લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું. ૨૦૧૬માં પ્રોજેક્ટ માટે જમીનનો સોદો કરવા ૧.૭૦ કરોડ પડાવ્યા હતા. સાથે જ આણંદના રીંઝા ગામે નદીના કિનારે મંદિર બનાવવાની લાલચ આપી હતી. જમીન દલાલ સુરેશ ઘોરીએ એક ડૉક્ટરને સંત જમીન ખરીદવા માંગે છે તેવું જણાવ્યું હતું.
સુરેશે જમીન બતાવી સ્વામીના ખજાનચી સ્નેહલ નામના વ્યક્તિની ઓળખાણ કરાવી હતી. ત્યારે ડૉક્ટર પાસેથી જે.કે.સ્વામીએ ૫૦ લાખ રૂપિયાની દલાલી સહિત ૧.૭૦ કરોડ પડાવી લીધા હતા. ડૉક્ટરને જમીનનો દસ્તાવેજ પણ ન કરી આપ્યો. જયારે ડૉકટરે લોકો પાસેથી વ્યાજે રૂપિયા લઈ રોકાણ કર્યું હતું. ત્યારે ડોકટરે પોલીસ પાસેથી કાર્યવાહી કરાવતા જે.કે.સ્વામીએ ૩૬.૭૫ લાખ પરત કર્યા હતા. પરંતુ બાકીના ૧.૩૪ કરોડ પરત ન કરતાં ફરિયાદ નોંધાવી હતી.