જૂનાગઢ સાવજ ડેરી દ્વારા ૨૦૦૦ લીટર દૂધ બજારમાંથી પરત મંગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો

જૂનાગઢ,જૂનાગઢ વંથલીના ખોખરડા ફાટક ખાતે સાવજ ડેરી અમુલ દૂધનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરે છે અને આ સાવજ ડેરી ખાતે અમુલ પ્રોડક્ટનું જૂનાગઢ જિલ્લા તેમજ આસપાસના જિલ્લાઓમાં ખૂબ મોટા પ્રમાણમાં વેચાણ કરવામાં આવે છે. ત્યારે ગ્રાહકો દ્વારા ખરીદાયેલા અમૂલ દૂધમાં ફરિયાદો મળતા સાવજ ડેરી ચેરમેન દિનેશ ખટારીયા દ્વારા બજારમાં મોકલાવેલ ૨૦૦૦ લીટર દૂધ પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ બાબતે સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયાએ જણાવ્યું હતું કે, અમૂલ દૂધના ઉત્પાદનમાં સાવજ ડેરી પાસે દૂધના સેમ્પલો લેવા માટે લેબોરેટરી છે અને અમુલ કંપનીનો જવાબદાર અધિકારી પણ આ લેબોરેટરી પર કામ કરે છે. લેબોરેટરીમાં દૂધની ચકાસણી કર્યા બાદ તેને બજારમાં મૂકવામાં આવે છે. ત્યારે અમૂલ દૂધમાં કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ તાપમાનમાં વધ-ઘટ થતા દૂધની ક્વોલેટી બદલાતી રહે છે. દૂધને પાઉચમાં પેકિંગ કરવામાં આવે ત્યારે તેની ક્વોલિટી સમય મર્યાદા ૪૮ કલાકની રાખવામાં આવે છે. વધુમાં જણાવ્યું કે, જ્યારે કોઈ ગ્રાહક ફ્રિજના બદલે દૂધ સામાન્ય વાતાવરણમાં રાખે ત્યારે દૂધનો ગુણધર્મ છે કે, દૂધમાંથી માખણ અલગ તરી આવે છે આવા દૂધનો જ્યારે ચા બનાવવામાં આવે છે ત્યારે ચા બગડી જાય છે. જોકે, ઉત્પાદનમાં કોઈ પણ પ્રકારની ખામી નથી અને ગ્રાહકો કોઈપણ રીતે બજારમાંથી જે અમુલનું દૂધ મળે છે તેને લેબોરેટરી માટે પણ મોકલી તપાસ કરાવી શકે છે. નાના વેપારીઓને નજીવું કમિશન મળતું હોય છે ત્યારે તેમને પણ આર્થિક ફટકો ન પડે તેવા હેતુથી જૂનાગઢની દુકાનોમાંથી ૨૦૦૦ લીટર દૂધ પરત મંગાવી લેવામાં આવ્યું છે. સંઘ નુક્સાની ભોગવવા તૈયાર છે પરંતુ ગ્રાહકોને મુંઝાવાની જરૂર નથી.